રાજકોટના બાળ સંરક્ષણ ગૃહમાં ટાબરિયા ટોળકીનો આતંક
પરિવાર સાથે ફોન ઉપર વાત કરવા બાબતે માથાકુટ થતા બે સુરક્ષા ગાર્ડ ઉપર હુમલો કરી 6 કેમેરા, 10 પંખા અને પાંચ ખુરશીમાં તોડફોડ
રાજકોટના ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં રખાયેલા છ જેટલા બાળ આરોપીઓએ બાળ સંરક્ષણ ગૃહમાં આતંક મચાવી અધિક્ષક સાથે માથાકુટ કરી બે સુરક્ષા ગાર્ડ ઉપર હુમલો કર્યો હતો તેમજ સંરક્ષણ ગૃહનાં 6 સીસીટીવી કેમેરા, 10 પંખા, 5 ખુરશી અને ટયુબલાઈટમાં તોડફોડ કરી નુકસાની કરી હતી. આ મામલે એ-ડીવીઝન પોલીસ મથકમાં 6 બાળ આરોપીઓ સામે અધિક્ષકે ફરિયાદ નોંધાવી છે.
રાજકોટના પાળ રોડ પર આવેલ સંસ્કાર સીટી ડી-403માં રહેતા અને રાજકોટનાં ભક્તિનગર સ્ટેશન રોડ પર આવેલ ઝોનલ ઓબ્ઝર્વનેશન હોમના કાઉન્સલર તેમજ છ મહિનાથી ઈન્ચાર્જ અધિક્ષક તરીકે ફરજ બજાવતાં સાગરભાઈ દિલીપભાઈ શુકલાએ આ મામલે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બાળસંરક્ષણ ગૃહમાં અલગ અલગ ગુનામાં હાલમાં રાખવામાં આવેલા છ જેટલા બાળ આરોપીઓના નામ આપ્યા છે. ફરિયાદમાં સાગરભાઈના જણાવ્યા અનુસાર ગઈકાલે જાહેર રજા હોય તેઓ પોતાના ઘરે હતાં ત્યારે સરકારી ગાર્ડ તરીકે ફરજ બજાવતાં રમણીકભાઈ ભીખાભાઈ લીંડીયાનો ફોન આવ્યો હતો અને કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો એસઆરપી મેન સાથે ઝઘડો કરતાં હોવાનું જણાવતાં સાગરભાઈ તાત્કાલીક ઓબ્ઝર્વેેશન હોમ ખાતે પહોંચ્યા હતા.
ત્યારે તેમને જાણવા મળ્યું કે, ઓબ્ઝર્વેશન હોમના ગાર્ડ ટીડાભાઈ ઉર્ફે શૈલેષભાઈ વેજાભાઈ બાંભવા બાળકોને તેના પરિવાર સાથે લેન્ડલાઈન ફોનમાંથી વાતચીત કરાવતાં હતાં તે દરમિયાન રાત્રિનાં નવ વાગ્યે એક બાળ આરોપી કે જે પોતાના પરિવાર સાથે ઘણા લાંબા સમયથી વાત કરતો હોય તેને ફોન મુકવાનું કહ્યું હતું. છતાં તેણે વાતચીત ચાલુ રાખતા રમણીકભાઈએ ફોન લઈ લીધો હતો ત્યારે આ બાળ આરોપી ઓફિસની બાર નીકળી ગયો હતો અને અન્ય પાંચ તેના બાળ આરોપી મિત્રોને બોલાવ્યા હતાં.
બાળ સંરક્ષણ ગૃહમાં રહેલા આ છ બાળ આરોપીઓએ કલાસરૂમમાં જઈ જીમના ડમ્બલ વડે બેંચમાં તોડફોડ કરી હતી ત્યારબાદ કલાસરૂમની બહાર નીકળી છ કેમેરા, 10 પંખા અને પાંચ ખુરશી તેમજ ટયુબલાઈટમાં કચરા પોતાના કરવાના પાઈપ વડે તોડફોડ કરી હતી. આ મામલે એસઆરપી મેન અરવિંદસિંહ અજીતસિંહ જાડેજા તથા શૈલેષભાઈ બાંભવાએ રોકવાનો પ્રયાસ કરતાં આ બાળ આરોપી ટોળકીએ બન્ને ઉપર હુમલો કરી દીધો હતો. આ મામલે સંબંધીત અધિકારી તથા વડી કચેરીને જાણ કરી સરકારી મિલકતને નુકસાન કરવા બદલ બાળ સંરક્ષણ ગૃહમાં રહેલા છ બાળ આરોપીઓ સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. એ ડીવીઝન પોલીસે આ છ બાળ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે.