ખંભાળિયામાં વિઝા વગર રહેતા ઝડપાયેલો સીરિયન નાગરિક પોલીસના ડિટેન્શન હેઠળ
ખંભાળિયા શહેરમાંથી થોડા સમય પૂર્વે ઝડપાયેલા એક વિદેશી નાગરિકની તપાસમાં આ શખ્સ છેલ્લા ઘણા સમયથી અહીં વિઝા પૂર્ણ થઈ ગયા પછી પણ રહેતો હોવાનું તથા આ શખ્સને ખંભાળિયાનો એક સ્કૂલ સંચાલક આશ્રય આપતો હોવાનું ખુલવા પામ્યું હતું. આ સમગ્ર ચકચારી પ્રકરણમાં પોલીસે આ બંને શખ્સોને અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે વિદેશી સીરિયન નાગરિકને 15 દિવસ પોલીસ સમક્ષ ડિટેન્શન (નજર કેદ)માં રાખવા તેમજ શાળા સંચાલકને જામીનમુક્ત કરવા માટેનો હુકમ કર્યો છે.
ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં અતિ ચકચારી બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ ખંભાળિયા શહેર નજીક આવેલા ધરમપુર વિસ્તાર સ્થિત ધી પ્રેસિડેન્ટ સ્કૂલમાં કામ કરતા અને આ જ વિસ્તારમાં રહેતા એક વિદેશી નાગરિક અંગેની જાણકારી દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસને મળી હતી. જેને અનુલક્ષીને એસ.ઓ.જી.ની ટીમ દ્વારા આ શાળામાં પ્રિન્સીપાલ ઓફિસની એડમીન કલાર્કની ઓફિસમાંથી ઉજળા વાને અને દેખીતી રીતે ભારતીય ન હોય તે રીતનો હાવભાવ વાળો શાખા અલી કામેલ મઈહબ, મુસ્લીમ, (ઉ.વ. 29, મુળ રહે. જાબલાહ (જેબલાહ), નેશનલ હોસ્પિટલ વિસ્તાર, સીરીયા, હાલ રહે. રામેશ્વર દિપ સોસાયટી, પ્રેસિડેન્ટ સ્કુલની સામે, ખંભાળિયા) ની વિધિવત રીતે અટકાયત કરી જુદી જુદી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો.
આ સાથે પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક એવા મહીપત મનજીભાઈ રામજીભાઈ કછટીયા (ઉર્ફે માહી સતવારા, રહે. રામેશ્વરદીપ સોસાયટી, ઉ.વ. 32) દ્વારા ઉપરોક્ત સીરિયન નાગરિકને આશ્રય આપવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું. જેથી પોલીસે સીરિયન (વિદેશી) નાગરિક પાસેથી પાસપોર્ટ, પૂરા થઈ ગયેલા વિઝા સહિતના કેટલાક દસ્તાવેજો કબજે કરી, આ સંદર્ભે જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. વિભાગના પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ તેમની ટીમ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી.
ઝડપાયેલા આ બંને શખ્સોને પોલીસે ગત સાંજે અહીંની અદાલતમાં રજૂ કરી, અદાલત સમક્ષ વિવિધ પ્રકારની લંબાણપૂર્વકની દલીલો બાદ નામદાર અદાલતે વિદેશી નાગરિક અલીને 15 દિવસ પોલીસના ડિટેન્શન (નજર કેદ) ઉપર સોંપ્યો છે. જ્યારે પ્રેસિડેન્ટ સ્કૂલના સંચાલક મહિપત કછટીયા ઉર્ફે માહી સતવારાને જામીનમુક્ત કરવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે.