સસ્પેન્સ થ્રિલર જેવા છાત્રાના દુષ્કર્મ-હત્યા કેસનો ભેદ ખુલ્યો
ભારે ખળભળાટ મચાવનાર વલસાડના કેસમાં 300 પોલીસના કાફલાએ 11 દિવસમાં 1000થી વધુ સીસીટીવી કેમેરા તપાસ્યા અને પાંચ રાજયોના 7000થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરી ભેદ ઉકેલ્યો, વાપીથી આરોપીને ઝડપી લીધો
વલસાડના મોતીવાળા ગામમાં રહેતા એક પરિવારની જે. બી. પારડીવાળા કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 19 પુત્રી સાથે દુષ્કર્મ અને હત્યા કરવાના બનાવનો ભેદ ઉકેલવામાં વલસાડ પોલીસને 11 દિવસે સફળતા મળી છે. પોલીસે એક હજારથી વધુ સીસીટીવી કેમેરાની તપાસ અને પાંચ રાજયમાં સાત હજાર શકમંદોની પૂછપરછ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
14 નવેમ્બરના રોજ બનેલી આ ઘટના બની હતી. મોતીવાળા ગામમાં એક પરિવારની 19 વર્ષીય પુત્રી જે. બી. પારડીવાળા કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી જયારે તેની મોટી બહેન ઉદવાડા ખાતે નોકરી કરે છે. 14 નવેમ્બરના રોજ ટ્યુશનમાં ગયા બાદ યુવતી ગુમ થઇ હતી. તપાસ કરતા યુવતી ઉદવાડા રેલવે સ્ટેશનથી પગપાળા ટ્યુશનથી ઘરે જવા નીકળી હતી. પરતું તે ઘરે નહી પહોચતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ કરતા નજીકમાં આવેલી આંબાવાડીમાં પુત્રીના ચપ્પલ જોવા મળ્યા હતા, જેથી પરિવારના સભ્યોએ આજુબાજુના વિસ્તારમાં શોધખોળ કરતા 19 વર્ષીય છાત્રાની આંબાવાડીમાં ઝાડ નીચે લાશ મળી હતી.પોસ્ટમોર્ટમમાં છાત્રા સાથે દુષ્કર્મ ગુજારી તેની હત્યા થયાનું ખુલ્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
ચકચારી આ કેસમાં પોલીસ પાસે રેલવે સ્ટેશનના સીસીટીવી આવ્યા હતા જેમાં એક શંકાસ્પદ વ્યકિત જઈ રહ્યો હતો અને તેના આધારે વલસાડ જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની અધ્યક્ષતામાં 3 ડીવાયએસપી,15 પીઆઈ, 10થી વધુ પીએસઆઈ તેમજ એસઓજી,એલસીબી સહિતના 300થી વધુ પોલીસ આ બનાવનો ભેદ ઉકેલવા કામે લાગ્યા હતા. આરોપીને પડકવા અલગ અલગ ટીમો અલગ અલગ દિશામાં તપાસ શરુ કરવામાં આવી હતી.
પોલીસે અલગ-અલગ રાજયોમાં સાત હજાર શકમંદો લોકોની પૂછપરછ કરી હતી. રેલવે સ્ટેશન ખાતે મળેલા શકમંદ વ્યક્તિઓના મોબાઈલ નેટવર્કના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી.
આરોપીને પકડવા પોલીસએ 5 થી વધુ રાજ્યોમાં છેલ્લા 10 દિવસથી ધામા નાખ્યા હતા. અમદાવાદથી લઇ મહારાષ્ટ્રના કલ્યાણ, પુણે સુધીના રેલવે સ્ટેશન પર સીસીટીવી ફૂટેજ તપાસી અનેક શકમંદોની પૂછપરછ કરી હતી. ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. પોલીસે વાપી રેલવે સ્ટેશનથી આરપીને ઝડપી લીધો હતો.
આરોપીને જ્યારે પોલીસે ઝડપ્યો ત્યારે એણે વિદેશી કંપનીના કિંમતી શૂઝ પહેરેલા હતા. જોકે, આ શૂઝ પણ તેણે ટ્રેનમાંથી કોઇ યાત્રીના ચોર્યા હોવાની આશંકા છે. જ્યારે આ આરોપી સામે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 10થી વધુ ગુના નોંધાયેલા હોવાનું જાણવા મળ્યું છે. આ શંકાસ્પદ ઈસમ હરિયાણાનો હોવાની માહિતી વલસાડ પોલીસને મળી ચૂકી હતી અને પોલીસ હરિયાણા તપાસ માટે ગઈ હતી પરંતુ ત્યાં તેનો પત્તો મળ્યો ન હતો. આ માહિતી જાહેર થાય તો ગુનેગાર ભાગી છૂટે તેવું હોઇ પોલીસે ખાનગી રાહે વાત ગુપ્ત રાખી તપાસ કરી રહી હતી. જોકે, રવિવારે રાત્રે પોલીસને આરોપીને ઝડપવામાં સફળતા મળી હતી.
આરોપીની પ્રાથમીક પુછપરછમાં આ પ્રકારે તેણે અન્ય રાજયોમાં પણ ગુનાઓને અંજામ આપ્યો હોય સિરિલય કિલર હોવાનું બહાર આવી રહ્યું છે. પોલીસે અન્ય રાજયોમાં જે જે સ્થળે આ પ્રકારની ઘટના બની હોય અને ભેદ અણઉકેલ રહેલ હોય તેવા કિસ્સાઓની વિગતો માંગી છે. અને વલસાડની ઘટનામાં પકડાયેલ આરોપીની વિગતો પણ અન્ય રાજયોની પોલીસને મોકલી છે.
સીસી ટીવીમાં દેખાયેલા શંકાસ્પદ દિવ્યાંગની વોચ રાખતા સફળતા મળી
વિદ્યાર્થિની સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને ઝડપવા માટે સતત 10 દિવસથી દોડી રહેલી પોલીસની ટીમે વાપી રેલવે સ્ટેશનના ફૂટેજ ચેક કરતા તેમને એક શંકાસ્પદ વ્યક્તિ જોવા મળ્યો હતો. જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં આ શંકાસ્પદ ઈસમ પરપ્રાંતિય હોવાની શક્યતાને જોતા પોલીસે રાજ્ય બહાર પણ ગુનેગારને ઝડપવા કવાયત હાથ ધરી હતી. પરંતુ ગુનેગાર પોલીસ પકડથી દૂર રહેવામાં સફળ થયો હતો. શંકાસ્પદ ઈસમ વાપી રેલવે સ્ટેશન પર ફરતો હોવાના ફૂટેજ મળવાથી ઘટનાના દિવસથી ગુનાના ઉકેલ માટે રેલવે પોલીસની પણ મદદ લેવામાં આવી રહી હતી. જે મુજબ રેલવે પોલીસની ટીમ પણ સતત વોચ રાખી રહી હતી. આ દરમિયાન રવિવારના મોડી રાતે વાપી રેલવે સ્ટેશનના પાર્કિંગમાં સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો અને એક પગે લંગડો ચાલતો શંકાસ્પદ ઈસમ દેખાતા તેને જીઆરપી ટીમે ઝડપી લીધો હતો અને વલસાડ પોલીસને સોપ્યો હતો. જ્યાં પોલીસે પૂછપરછ કરતાં આરોપીએ ગુનો કબૂલી લીધો હતો.
આરોપી દિવ્યાંગ હોવાની કડી મળ્યા બાદ પોલીસ આરોપી સુધી પહોચી
વલસાડના પારડી તાલુકાની વિદ્યાર્થિની 14મી નવેમ્બરના રોજ ઉદવાડા ખાતે ટ્યુશન ગઈ હતી. જે વિદ્યાર્થિની પરત ઘરે આવી ન હતી. પરિવારના સભ્યોએ યુવતીની શોધખોળ કરતા રેલવે ફાટક પાસે આવેલી આંબાવાડીમાં યુવતીની શંકાસ્પદ હાલતમાં લાશ મળી હતી. તે કેસમાં ઘટનાને 11 દિવસ બાદ પોલીસે આરોપીનું પગેરું મેળવવામાં સફળતા મળી હતી.આ ઘટનામાં સંડોવાયેલ આરોપી દિવ્યાંગ હોવાનું અને તે એક પગે ખોડો ચલતો હોવાનું તપાસમાં સામે આવ્યા બાદ વલસાડ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમોએ વાપી અને વલસાડ આસપાસની જીઆઇડીસીમાં આવેલી અલગ અલગ કંપનીઓમાં અને લેબર કોન્ટ્રાકટરની મદદને પગથી ખોડા ચાલતા યુવકની શોધખોળ કરી હતી. તેમજ આરોપીને શોધવા મુંબઈની ચાલીઓમાં પણ વલસાડ પોલીસે તપાસ હાથ કરી હતી. અલગ અલગ વિસ્તારોમાં આવેલા સેલ્ટર હોમ ખાતે દિવ્યાંગ આરોપીને પકડવા શકમંદ વ્યક્તિ સાથે અગાઉ પકડાયેલ આરોપીઓના ચહેરાઓને મેચ પણ કરવામાં આવ્યા હતા અંતે 11 દિવસની મહેનત રંગલાવી અને આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.