શહેરની હોટલ-ગેસ્ટ હાઉસમાં પોલીસનું સરપ્રાઇઝ ચેકિંગ
નવરાત્રી અનુસંધાને ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પીસીબીની 20 ટીમો ત્રાટકી
નવરાત્રીના પર્વને લઇને પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે કોઇ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિ પૂર્ણ રીતે ગરબાનું આયોજન થાય તેને લઇને ગૃહવિભાગ દ્વારા ગાઇડલાઇન જાહેર કરી છે. જેના ભાગરૂપે આજે શહેરના તમામ ગેસ્ટ હાઉસ અને હોટલોમાં પોલીસની અલગ-અલગ ટીમોએ સપ્રાઇઝ ચેકીંગ ર્ક્યુ હતું. ક્રાઇમ બ્રાંચ, એસઓજી, પીસીબીની અલગ-અલગ 20 ટીમો આજે હોટલ ગેસ્ટ હાઉસમાં ત્રાટકી હતી.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નવરાત્રીને લઇને ગુજરાતના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતના પોલીસ કમિશનર તેમજ તમામ રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સાથે બેઠક યોજી હતી અને નવરાત્રી દરમિયાન શું-શું તકેદારી રાખવી! અને કેવા પગલા ભરવા તે સહિતની સુચનાઓ આપી મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન ભાંગ ફોડ્યા તત્વો ઉપર ખાસ વોચ રાખવા અને હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં સતત ચેકીંગ કરવા સુચના આપવામાં આવી હોય જેના ભાગરૂપે આજે રાજકોટ શહેરની તમામ હોટલ અને ગેસ્ટ હાઉસમાં નવરાત્રી પૂર્વે પોલીસે ચેકીંગ ર્ક્યુ હતું.
ડીસીબી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના અને એસીપી ભરત બસીયાના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાંચના પીઆઇ એમ.આર.ગોંડલીયા, એસઓજીના પી.આઇ. એસ.એમ.જાડેજાની અલગ-અલગ 20થી વધુ ટીમોએ સવારથી રાજકોટ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલ-ગેસ્ટ હાઉસમાં ચેકીંગ ર્ક્યુ હતું અને હોટલ અને ગેસ્ટ હાઉસના સંચાલકોને નવરાત્રી દરમિયાન કોઇપણ શંકાસ્પદ વ્યક્તિ રોકાણ કરે તો પોલીસને જાણ કરવા તેમજ હોટેલ અને ગેસ્ટ હાઉસમાં આવતા વ્યક્તિઓનું રજીસ્ટ્રેશન કરી આ અંગે નજીકના પોલીસ સ્ટેશનમાં તેની કોપી આપવા સુચના આપવામાં આવી હતી.
નવરાત્રી દરમિયાન શાંતિ પૂર્ણ રીતે લોકો ગરબામાણી શકે તે માટે પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેને લઇને આ ચેકીંગ હાથ ધરવામાં આવી હતી. હોટેલ-ગેસ્ટ હાઉસ અને ધર્મશાળામાં આવતા ગ્રાહકોની રજીસ્ટ્રારમાં ઇન્ટ્રી ફરજીયાત કરી પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ પથીક (પ્રોગ્રામ ફોર એનાલિસિસ ઓફ ટ્રાવેલર એન્ડ હોટલ ઇન્ફોર્મેટીક)માં તેની નોંધ કરવાવા માટે તમામ હોટલ-ગેસ્ટ હાઉસના સંચાલકોને સુચના આપવામાં આવી છે.