ગોંડલના જાટ યુવકના મોતની ફેર તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ધ્રાંગધ્રાના ડીવાયએસપી કરશે
ગોંડલના રાજસ્થાની જાટ યુવકના રહસ્યમય મોતના કેસમાં પીડિત પરિવારજનો તરફથી ગુજરાત હાઈ કોર્ટમાં સીબીઆઈ તપાસની દાદ માંગતી કરેલી રિટ અરજીમાં જસ્ટિસ હસમુખ ડી.સુથારે આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લાના એસપી પ્રેમસુખ ડેલુને સોંપી છે. આ કેસની તપાસમાં એસપી પ્રેમસુખ ડેલુ સાથે ધ્રાંગધ્રાના ડીવાયએસપી જી.ડી.પુરોહિત પણ સાથે રહેશે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, કેસની તપાસ પર હાઇકોર્ટનું મોનીટરીંગ રહેશે. કેસની ફેરતપાસ કરી તેને વિગતવાર રિપોર્ટ રજૂ કરવા પણ હાઇકોર્ટે હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી બે મહિના બાદ થશે.
જાટ યુવકના રહસ્યમય મોત કેસમાં હાઈકોર્ટે પોલીસ અને રાજય સરકારનો ઉધડો લીધો હતો. હાઇકોર્ટે તપાસની ખામીઓને લઈ ગંભીર સવાલો ઉઠાવી વધુ તપાસ માટે ત્રણ એસપીના નામો અને મેડિકલ ઓફિસર્સના નામો અદાલતને આપવા રાજય સરકારને હુકમ કર્યો હતો. જેના અનુસંધાનમાં આજે રાજય સરકાર તરફથી પેનલના નામો હાઈકોર્ટને આપવામાં આવ્યા હતા તો, અરજદારપક્ષ તરફથી પણ ચાર ઉચ્ચ પોલીસ અધિકારીઓના નામ સૂચવવામાં આવ્યા હતા.
જેમાંથી અંતે જસ્ટિસ હસમુખ ડી. સુથારે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુનું નામ નક્કી કરી તેમને આ કેસની તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો. હાઇકોર્ટે આ સમગ્ર કેસમાં નવેસરથી અને ફરીથી તપાસ કરવા એસપીને હુકમ કર્યો હતો અને તેમને તપાસમાં મદદ થવા માટે ધ્રાંગધ્રાના ડીવાયએસપી જી.ડી. પુરોહિતને પણ તપાસમાં સાથે રાખવા સૂચન કર્યું છે. તેમજ એસપી કેસની ફેરતપાસ માટે ઇચ્છે તો નવી તપાસ ટીમ પણ બનાવી શકશે. હાઈકોર્ટે સમગ્ર કેસની ફરીથી તપાસ કરી બે મહિના બાદ તેનો પ્રગતિ અહેવાલ રજૂ કરવા એસપી પ્રેમસુખ ડેલુને હુકમ કર્યો હતો. આ કેસની વધુ સુનાવણી તા.10મી ડિસેમ્બરના રોજ થશે.