અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ રીબડાના આગોતરા ફગાવતી સુપ્રીમ કોર્ટ
પોલીસ ધરપકડથી બચવા સર્વોચ્ચ અદાલત સુધી ફટકાર મળતા કોઈ પણ ઘડીએ થશે સરન્ડર
ગોંડલ તાલુકાના રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટનાં આપઘાત પ્રકરણમાં રાજદિપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી સુપ્રીમ કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. કાનૂની ફટકાર મળ્યા બાદ હવે રાજદીપસિંહ જાડેજા કોઈ પણ ઘડીએ સરેન્ડર થઈ શકે છે.
આ કેસની હકીકત મુજબ રીબડાનાં અમિત દામજીભાઈ ખુંટ સામે રાજકોટનાં એ ડીવીઝન પોલીસ મથકમા દુષ્કર્મની ફરીયાદ નોંધાય હોય જેનાં બીજા જ દીવસે અમિત ખુંટે આપઘાત કરી લીધો હતો. અમિતે આપઘાત પુર્વે લખેલી પાંચ પાનાની સ્યુસાઇડ નોટમા રીબડાનાં અનિરૂૂધ્ધસિંહ મહીપતસિંહ જાડેજા, તેમનાં પુત્ર રાજદિપસિંહ દુષ્કર્મની ફરીયાદ નોંધાવનાર યુવતી સહીતના નામ આપ્યા હોય જે તમામ વિરુધ્ધ ગોંડલ તાલુકા પોલીસમા આપઘાત માટે મજબુર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો. તપાસમા જુનાગઢનાં રહીમ મકરાણીનુ નામ પણ ખુલ્યુ હતુ.
આ ઘટનામા અનિરૂૂધ્ધસિંહ જાડેજા અને પુત્ર રાજદિપસિંહના સેશન્સ કોર્ટમા આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી. બાદ રાજદીપસિંહ જાડેજાએ ગોંડલ સેશન્સ કોર્ટના હુકમથી નારાજ થઈ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે આગોતરા જામીન અરજી રદ થતા રાજદીપસિંહ જાડેજાએ પોલીસ ધરપકડથી બચવા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી.
જે જામીન અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ સરકાર અને મૂળ ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાને લઇ સુપ્રીમ કોર્ટ દ્વારા રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી ફગાવી દેવામાં આવી છે. કાનૂની ફટકાર મળ્યા બાદ હવે રાજદીપસિંહ જાડેજા કોઈ પણ ઘડીએ સરેન્ડર થઈ શકે છે.