તમારું ઇન્સ્ટા. આઇડી અને નંબર આપો કહી ચાલુ સ્કૂટરે વિદ્યાર્થિનીની છેડતી
શહેરના કાલાવડ રોડ પર સ્કુટર લઇને જતી વિદ્યાર્થીનીની ચાલુ સ્કુટરે કારમાં આવેલા શખ્સે તમારૂ ઇન્સ્ટ્રા આઇડી અને નંબર આપો તેમ કહી છેડતી કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
જાણવા મળતી વિગત મુજબ નવાનાકા રોડ પર પ્રહલાદ ટોકીઝ પાસે રહેતી 18 વર્ષીય વિદ્યાર્થીની ગતરાતે તેની નાની બહેન અને કાકા સાથે કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસે નાસ્તો કરવા ગઇ હતી. જયાંથી નાસ્તો કરી તેણી અને તેની નાની બહેન સ્કુટરમાં અને તેના કાકા અન્ય બાઇકમાં આગળ જતા હતા. દરમિયાન કાલાવડ રોડ પર વોકહાર્ટ હોસ્પીટલ પાસે પહોંચતા એક કારના ચાલકે તેની પાછળ પાછળ આવી બાદમાં ચાલુ વાહને તમારૂ ઇન્સ્ટ્રા આઇડી અને તમારો નંબર આપો તેમ કહેતા તેણીએ કોઇ જવાબ આપ્યો ન હતો. બાદમાં નિર્મલા કોન્વેન્ટ રોડ સુધી તેનો પીછો કરી ત્યાંથી ભાગી ગયો હતો.
બાદમાં વિદ્યાર્થીનીએ તેના કાકાને વાત કરી હતી. બાદમાં અયોધ્યા ચોક ખાતે તેના કાકા ચા પીેવા ગયા ત્યારે આ કાર ચાલક ત્યાં હાજર હોવાથી વિદ્યાર્થીનીના કાકાએ કાર ચાલકને આ બાબતે પૂછતા તેનો કોઇ જવાબ ન આપતા પોલીસ કંટ્રોલમાં જાણ કરતા પીસીઆર વાનમાં બેસાડી કાર ચાલકને પોલીસ મથકે લાવી તેનું નામ પૂછતા નિર્મેશ પોપટભાઇ મકવાણા (રે.આંબેડકરનગર-16) હોવાનું જણાવતા પોલીસે યુવતીની ફરીયાદ પરથી આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.