બોગસ તબીબોને રોકવા દરેક જિલ્લામાં સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ જરૂરી
ગુજરાતમાં બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલા ઝોલાછાપ તબીબો સામે કડક કાર્યવાહીની માંગ સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત દરેક જિલ્લામાં એક સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ કાર્યરત કરવાની પણ માંગ કરી છે. તેઓએ પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે આવા બોગસ તબીબોના કારણે પ્રતિષ્ઠિત તબીબો પર છાંટા ઉડે છે અને તેઓના કારણે તબીબી આલમને બદનામ થવું પડે છે.
સુરત હોય કે અન્ય કોઈ પણ શહેર, રાજ્યભરની અંદર ઠેર ઠેર બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે. લોકોના જીવ સામે જોખમ ઊભું કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં આવા બોગસ તબીબોના કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા હોવાના કિસ્સા ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. કાયદાની છટકબારીના કારણે બારી કરી જતા આવા બોગસ તબીબો સામે હવે કડક કાર્યવાહીની માંગ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા કરવામાં આવી છે. જેને લઈ રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિતમાં પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા પાઠવવામાં આવેલ પત્રમાં જણાવ્યા પ્રમાણે, સુરત સહિત રાજ્યભરમાં ડિગ્રી વિના બોગસ તબીબો મેડિકલ પ્રેક્ટિસ કરી રહ્યા છે. જેના કારણે લોકોના જીવ સામે જોખમ ઊભું કરવામાં આવી રહ્યું છે. એટલું નહીં પરંતુ ડિગ્રી ન હોવા છતાં મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક લેવલ પર સંબંધિત વિભાગ દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ કાયદાની છટકબારીનો લાભ ઉઠાવી આવા બોગસ તબીબો ફરી છૂટી જાય છે અને પોતાની હાટડીઓ શરૂૂ કરી દે છે.
સામાન્ય જનતા આવા બોગસ તબીબો પાસે સારવાર લે છે અને તેના ગંભીર પરિણામો સામે આવે છે. જેના કારણે દર્દીએ ક્યારેક પોતાના જીવ પણ ગુમાવવા પડે છે. જે લોકો આવા બોગસ તબીબો પાસે સારવાર લેવા માટે જાય છે, તેવા દર્દીઓને તો ખ્યાલ પણ હોતો નથી કે તેવા તબીબો પાસે માન્યતા ધરાવતી ડિગ્રી પણ છે કે નહીં? આવા તબીબો પાસે દર્દીઓ સારવાર લેવા માટે પહોંચી જતા હોય છે, પરંતુ તેના સ્વાસ્થ્યમાં સુધારો આવવાના બદલે હાલત વધુ ગંભીર થઈ જાય છે. જે બાદ આવા દર્દીઓને સરકારી હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે. પરંતુ ત્યાં સુધી ઘણો વિલંબ થઈ જતાં દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.
ડિગ્રી ધરાવતા તબીબો પાસે જવું હિતાવહ
ઉલ્લેખનીય છે કે, દર્દીઓના જીવ સાથે રમત રમતા આવા તબીબો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. દરેક જિલ્લામાં એક સ્ટ્રોંગ મોનિટરિંગ સિસ્ટમ લાગુ કરવી જોઈએ. જે સિસ્ટમ દ્વારા સતત આવા તબીબો પર મોનિટરિંગ કરી અને કાર્યવાહી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવી જોઈએ. બોગસ તબીબો પાસે સારવાર લેવાના કારણે તેના ગંભીર પરિણામો આવે છે. જેથી લોકોએ પણ સમજવાની જરૂૂર છે અને ડિગ્રી ધરાવતા તબીબો પાસે જ સારવાર લેવામાં આવે તે હિતાવહ છે.