સાવરકુંડલાના ઝીંઝુડા ગામે દેશી-દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો
સાવરકુંડલામાં ઝીંઝુડા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલે દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી રૂા. 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડામાં ભઠ્ઠી ચલાવનાર બુટલેગર સહિત પાંચ શખ્સો ફરાર થઈ જતાં તમામની શોધખોળ શરૂ કરાઈ છે. એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસની કામગીરી ઉપર શંકા ઉભી થઈ છે.
મળતી વિગતો મુજબ સાવરકુંડલાના ઝુંઝુડા ગામની સીમમાં દાડેશ્ર્વર મહાદેવ મંદિર પાછળ વોકળામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમીના આધારે એસએમસીની ટીમે દરોડો પાડ્યો હતો.
જ્યાંથી 308 લીટર દેશી દારૂ તથા 2775 લીટર આથો, તેમજ મોટર સાયકલ તથા દારૂ બનાવવાના સાધનો સહિત 2.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ દરોડામાં ભઠ્ઠી ચલાવનાર બુટલેગર અશોક હરીલાલ કોળી, ભઠ્ઠી ચલાવનાર બે શખ્સો જે ભાગી ગયા હોય તથા દેશી દારૂ સપ્લાય કરનાર અને સ્થળ ઉપરથી કબ્જે કરેલ મારુતી સ્વીફ્ટ નં. જીજે 25 એ 1913ના માલીક સામે ગુનો નોંધી તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી કે.ટી. કામળિયાની સુચનાથી પીએસઆઈ એ.વી. પટેલ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા બાદ સ્થાનિક પોલીસ ઉપર અનેક સવાલો ઉભા થયા છે.