મહુવામાં સાસુ-સસરાની હત્યા કરતો જમાઇ
પત્ની સાથેના કંકાસમાં ખેલેલો ખૂની ખેલ, ઝનૂનપૂર્વક છરીના ઘા ઝીંકી વેતરી નાખ્યા
ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા વિસ્તારમાં એક દંપતિ પોતાના ઘરે હતું તે વેળાએ તિક્ષ્ણ છરી સાથે ધસી આવેલા જમાઇએ સાસુ-સસરા ઉપર અચાનક જીવલેણ હુમલો કરી દંપતિને મોતને ઘાટ ઉતારી ફરાર થઇ જતાં ભારે ચકચાર મચી જવા પામી છે. ત્રણ સંતાનની માતાએ બીજા લગ્ન કરી લેતા પતિએ તેના સાસુ-સસરાની હત્યા નિપજાવી હોવાનુંજાણવા મળેલ છે.
આ બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા શહેરના ખારા ઝાપા, શાળા નં. 7 નજીક રહેતા રમેશભાઇ વીરાભાઇ ડોળાસીયાઉ.વ.45 તેમજ તેના પત્ની ભારતીબેન રમેશભાઇ ડોળાશીયા ઉ.વ.40 બંન્ને પોતાના ઘરે હાજર હતા. તે સમયે તેમનો જમાઇ અજય રાજુભાઇ ભીલ ઉ.વ 30 ઘરે આવ્યો હતો. જે બાદ અજય ભીલે તેમની પત્નિ સાથેના ઘર કંકાસને લઇ સાસુ-સસરા સાથે બોલાચાલી કરવા લાગ્યો હતો. જે બાદ અજય ભીલે ઉશ્કેરાઇ જઇ દંપતિ કંઇ સમજે એ પહેલા જ દંપતિ ઉપર જીવલેણ હુમલો કરી પેટના ભાગે છરીના તિક્ષ્ણ ઘા ઝીંકી દેતા દંપતિ લોહિલુહાણ થઇ ઘરમાં પટકાયા હતા જેમાં દંપતિનું મોત થતાં બનાવ બેવડી હત્યામાં પલટાયો હતો. આરોપી જમાઇ અજય ભીલ હત્યા કરી નાસી ગયો હતો. દંપતિની હત્યાની જાણ પાડોશમાં થતાં લોકોના મોટી સંખ્યામાં ટોળા જામ્યા હતા. બનાવ ની જાણ થતાપોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
આરોપી અજય અને તેમના પત્નિ વચ્ચે અણબનાવ હતો. અને બંન્નેને ત્રણ સંતાનો હતા જેને તરછોડી અજયની પત્નીએ બીજા લગ્ન કરી લેતા જેની દાઝ રાખી સાસુ-સસરાને મોતને ઘાટ ઉતારી દિધા હતા. આ બનાવ અંગે મહુવા પોલીસે ગુનો નોંધી સાસુ -સસરા ની હત્યા કરી નાસી છૂટેલા આરોપી જમાઈને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે.
ડબલ મર્ડરની આ ઘટના બાદ આરોપી નાશી જાય તે પૂર્વે પોલીસે તેને રાઉન્ડઅપ કરી લીધો હતો અને પોલીસ સ્ટેશનમાં બેસાડી દીધો હતો ત્યારબાદ મૃતકોની લાશો હોસ્પિટલમાં મોકલવા સહિતની પ્રક્રિયા કરી હતી. આરોપીએ પત્ની સાથેના ઝડઘામાં સાસુ-સસરાની હત્યા કર્યાની કબુલાત આપી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.