નકલી પનીરના સપ્લાયરોને પણ SOGનું તેડું
શહેરના શિતલપાર્ક ચોક પાસે ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં એસઓજીએ દરોડો પાડી 800 કિલો જેટલું નકલી પનીર કબ્જે કરી રાજકોટમાં રેકડીથી લઈ રેસ્ટોરન્ટ સુધીના નકલી પનીર સપ્લાયના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. હવે આ મામલે આરોગ્ય વિભાગ દ્વારા રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ મામલે એસઓજીએ નકલી પનીરને રેકડીથી લઈ રેસ્ટોરન્ટમાં સપ્લાય કરનાર તમામની પુછપરછ માટે તેડુ મોકલ્યું છે. અને આ પનિર ક્યાં ક્યાં સપ્લાય થતું હતું તે બાબતની જીણવટભરી તપાસ એસઓજી કરશે. આ નકલી પનીરની ફ્કટરી ચલાવનાર આ શખ્સ અગાઉ જમીન-મકાનનો ધંધો કરતો હોય જેમાં મંદી આવતા મિત્રના કહેવાથી તેણે આ નકલી પનીરનો વેપલો શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટના શિતલપાર્ક ચોક પાસે શાસ્ત્રીનગર 6 માં ગુજરાત ફૂડ નામની ફેક્ટરીમાં નકલી પનીર બનાવી વહેંચી લોકોના આરોગ્ય સાથે ચેડા કરી છેતરપીંડી કરતા હોવાની માહિતી એસઓજીને મળતા પીઆઈ એસએમ જાડેજાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.વી. હરિયાણી અનેતેમની ટીમે દરોડો પાડ્યો હતો. ફેક્ટરીમાં અલગ અલગ વિભાગમાં આશરે 30 જેટલા મજુરો કામ કરતા હતા અને અલગ અલગ યુનિટમાં નકલી પનિર બનાવવાનું રેકેટ ચાલતુ હતું. એસઓજીએ રંગેહાથ આ નકલી પનિરના રેકેટને પકડી પાડીતેનો પર્દાફાશકર્યો હતો. કારખાનાના માલીક હાર્દિક ઘનશ્યામભાઈ કારિયા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ મામલે એસઓજીએ ફૂડ વિભાગને જાણ કરતા ફૂડ વિભાગે તેના નમુના લીધા હતાં.
ફેક્ટરીમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, નલકી પનિર બનાવવા માટે અલગ અલગ એસીડ તેમજ ફ્લેક્સ તથા પામોલીન તેલ સહિતની વસ્તુઓનો ઉપયોગ કરી દુધ વગરનું નકલી પનિર બનાવવામાં આવતું હતું ફેક્ટરીમાથી કનેક્શન કે બીલ વગરના 21 ગેસના બાટલા પણ કબ્જે કરવામાં આવ્યા હતાં. બજારમાં 250થી 300 રૂપિયાનું કિલો મળતું પનીરના બદલે સસ્તાભાવે આ નકલી પનીર વહેંચવામાં આવતું હતું. જેના માટે હાર્દિકે સપ્લાયરોની એક ચેન બનાવી હતી. જેમાં આ પનીર સપ્લાય કરનારને તગડુ કમિશન આપવામાં આવતું હતું આ મામલે એસઓજીની ટીમે હવે આ સપ્લાયરોને પણ પુછપરછ માટે તેડુ મોકલ્યું છે. આવુ નકલી પનીર કઈ કઈ હોટલોમાં કે રેસ્ટોરન્ટમાં સપ્લાય થતું હતું તેનો ખુલાસો આ સપ્લાયરોની પુછપરછમાં થશે બીજી તરફ જાણવા મળ્યું કે, ફર્નિચરના બોર્ડ મારીને આ કારખાનામાં નકલી પનીર બનાવવામાં આવતું હોય તે પનીર બનાવનાર હાર્દિક અગાઉ જમીન-મકાનની દલાલીનો ધંધો કરતો હતો તેમા મંદી આવતા તેણે મિત્રના કહેવાથી આ નકલી પનીરનો વેપલો શરૂ કર્યો હતો.