રાજકોટમાં 60 રોકાણકારોના 11 કરોડ ઉઘરાવી મંડળી સંચાલક ફરાર
નામચીન ફાઈનાન્સર અલ્પેશ દોંગા સામે છેતરપિંડીનો ચોથો ગુનો નોંધાયા: શોધખોળ
તબીબ મિત્ર સાથે મળી રાજકોટ અને ગોંડલમાં અનેક લોકોને શીશામાં ઉતારનાર શખ્સની શોધખોળ
રોકાણકારોને સોનાના નળીયાવાળા બનાવી દેવાની લાલચ આપી રોકાણ કરાવી રૂપિયા લઇ ગઠીયો ભાગી ગયો
રાજકોટનાં નાનામવા રોડ પર આવેલ મની પ્લસ શરાફી મંડળીનાં નામે રાજકોટનાં વેપારી સહીત 60 થી વધુ રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી સોનાનાં નળીયા વાળા મકાન બનાવી દેવાની લોભામણી સ્કીમ આપીને રૂ. 11.8 કરોડ જેટલી રકમ ઉઘરાવીને ફરાર થઇ ગયેલા ગઠીયા વિરુધ્ધ વધુ એક ફરીયાદ નોંધાઇ છે. રાજકોટનાં ભેજાબાજ અલ્પેશ દોંગા સામે આ ચોથો ગુનો નોંધાયો છે જેમા તાલુકા પોલીસે તેની શોધખોળ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ રાજકોટનાં કરણસિંહજી હાઇસ્કુલ પાછળ ધર્મજયોત મકાનમા રહેતા અને આશાપુરા મેઇન રોડ પર રંગુન કલોથ સ્ટોર નામની દુકાન ચલાવતી વેપારી રશ્મીનભાઇ ચુનીલાલ પરમારે નોંધાવેલી ફરીયાદમા આરોપી તરીકે સત્યમ પાર્ટી પ્લોટ પાછળ નાના મવા રોડ પર સગુન એપાર્ટમેન્ટ ફલેટ નં ર01 મા રહેતા અલ્પેશ ગોપાલ દોંગા અને તપાસમા ખુલે તે તમામનુ નામ આપ્યુ છે . રશ્મીનભાઇએ ફરીયાદમા જણાવ્યા મુજબ આઠેક વર્ષ પહેલા સ્વામીનારાયણનાં સત્સંગી તેમનાં મિત્ર મનસુખભાઇ કરમણભાઇ ગોરસંદીયા મારફતે અલ્પેશ દોેંગાની ઓળખાણ થઇ હતી જે શ્રી મની પ્લસ શરાફી મંડળી ચલાવતા હોય અલ્પેશ દોંગાએ તેમની મંડળી ગુજરાત સહકારી અધીનીયમ હેઠળ નોંધાયેલી હોય અને એફડી પર બેંક કરતા વધુ 1ર ટકા વળતર આપવાની લાલચ આપી હતી અને 6 વર્ષમા તમારી મુળ મુડી પરત મળી જશે. અને એક મહીના પહેલા જાણ કરો તો તમામ રૂપીયા પાછા આપી દેવાનુ જણાવ્યુ હતુ.
આ સ્કીમ જાણી રશ્મીનભાઇએ પોતાનાં ભાભી કે જેઓ વિધવા હોય ભાઇ વિનોદભાઇ પરમારનુ અવસાન થયુ હોય તેમનાં વિમાની રકમ ભાભી કિશોરીબેનને મળી હોય જેથી ભાભીનો ઘર ખર્ચ નીકળે અને રૂપીયા સલામત રહે તે હેતુથી ર9.12.2018 નાં 14 લાખ એફડી મંડળીમા કરાવી હતી જેનુ 1 મહીના સુધી વળતર આપવામા આવતુ હતુ બાદમા અલ્પેશ દોંગાએ અલગ અલગ જગ્યાએ મીટીંગો અને ન્યુઝ પેપરમા આપેલી જાહેરાતને કારણે રશ્મીનભાઇએ તેમના મિત્રો અને સગાવ્હાલાને આ સ્કીમની વાત કરી હતી . અલ્પેશ દોંગાએ રશ્મીનભાઇને પ્રલોભન આપ્યુ હતુ કે મંડળીમા તમારા મિત્રો રોકાણ કરે તો તમામને સોનાનાં નળીયાવાળ બનાવી દેવા છે. અને જરૂર પડે તો બેંકમાથી લોન લઇને પણ મંડળીમા એફડી મુકશો તો વધુ નફો મળશે.
જેથી અલ્પેશ દોંગાનાં આ વિશ્ર્વાસમા આવી રશ્મીનભાઇએ પોતા સગાવ્હાલા અને મિત્રોને વાત કરતા અલ્પેશ દોંગાની આ શ્રી મની પ્લસ શરાફી મંડળીમા 60 જેટલા રોકાણકારોએ રોકાણ કર્યુ હતુ જેમા રશ્મીનભાઇએ પોતે મકાન પર લોન લઇ એફડી કરાવી હતી. તેમજ મિત્ર નીલેશ ચંદુભાઇ લીંબાસીયા, સંજય કરશનભાઇ કોટડીયા, વલ્લભભાઇ રાદડીયા, મિત્ર ધીરુભાઇ પરમાર અને તેનાં પત્ની તેમજ કમલેશભાઇ ચોટલીયા અને તેમનાં પત્ની રેખાબેન, બ્રિજેશભાઇ અને તેમનાં પત્ની ભારતીબેન, મોનીકાબેન ભાવીનભાઇ ગોહેલ, તેમનાં પતિ ભાવીનભાઇ, અલ્કેશભાઇ જાદવ અને તેમનાં પત્ની હર્ષીદાબેનનાં નામે કુલ અલગ અલગ રૂ. 64.7પ લાખની એફડી કરાવી હતી. અલ્પેશ દોંગાએ 2023 સુધી વળતર આપ્યા બાદ વળતર આપવાનુ બંધ કરી દીધુ હતુ. આ બાબતે તપાસ કરતા અલ્પેશ દોંગાએ રશ્મીનભાઇ અને તેમનાં મિત્રો ઉપરાંત અન્ય 46 થી વધુ રોકાણકારોને પોતાની મંડળીમા ઉચા વળતરની લાલચ આપી આશરે 11,08,98,000 ની છેતરપીંડી કરી ફરાર થઇ ગયો હોય જે મામલે પોલીસમા ફરીયાદ નોંધાઇ છે.
નામચીન અલ્પેશ દોંગાએ તેનાં તબીબ મિત્ર સાથે મળી ખેડુતને જમીનનાં નામે 10 કરોડની છેતરપીંડી કર્યાનુ પણ અગાઉ ફરીયાદ નોંધાઇ છે. ચીટર અલ્પેશ દોંગા સામે અગાઉ 3 ફરીયાદ નોંધાઇ છે. તેના વિરુધ્ધ આ ચોથી ફરીયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.