વાંકાનેરમાં કાછિયાવાળા ગામે માતાજીના મંદિરમાં તસ્કર ત્રાટક્યા, બે ચાંદીના છતરની ચોરી
વાંકાનેર તાલુકાના કાછીયાગાળા ગામમાં આવેલા બુટ ભવાની માતાજીના મંદિરમાંથી બે ચાંદીના છતરની ચોરી થઈ છે. આ છતરની કિંમત આશરે 40,000 રૂૂપિયા અંદાજવામાં આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ એક આરોપીની ઓળખ થઈ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગત તારીખ 29ના રોજ સવારે 11 વાગ્યાની આસપાસ બે અજાણ્યા ઈસમો બાઈક પર આવ્યા હતા. તેઓ મંદિરમાં પ્રવેશ કરીને માતાજીની છબી પર રાખેલા આશરે 500 ગ્રામ વજનના બે ચાંદીના છતર ચોરીને ફરાર થઈ ગયા હતા.
મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં આ સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી. ફૂટેજ વાયરલ થતાં બે ચોરો પૈકી એકની ઓળખ થઈ હતી. ફરિયાદી હેમંતભાઈ રંગપરાએ આ મામલે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસે આરોપી વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઈ જાદવ (રહે. મોટી મોલડી, તા. ચોટીલા) અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ છતર ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.