મવડીના મંદિરમાં અને માલિયાસણના મકાનમાં તસ્કરો ત્રાટક્યા : 47 હજારની મતા ચોરાઈ
બન્ને ચોરીમાં તસ્કરોની ઓળખ મેળવવા તજવીજ : સીસીટીવીમાં એક દેખાયો
રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા ગણેશ મંદિર અને માલિયાસણ ગામે આવેલા સનરાઈઝ પાર્કના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતાં. અને કુલ 47 હજાર મતાની ચોરી થઈ હતી. આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવની વિગતો અનુસાર, મોટામવાના જયરાજ પાર્કમાં રહેતા દેવેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ ગોહિલ (ઉ.વ.42)એ ફરિયાદમાં જણાવ્યું હતુ ંકે, તેઓ સિધ્ધિ વિનાયક ગણેશ મંદિરમાં ટ્રસ્ટી છે. તા. 30ના રોજ તેમના પિતાનો કોલ આવ્યો કે મંદિરની દાન પેટીમાં છેડછાડ થઈ છે આથી ત્યાં પહોંચી સીસીટીવી તપાસમાં એક શખ્સ દેખાયો હતો. આમ આ તસ્કરે દાન પેટીમાં રહેલ અંગદાજીત 12 હજારની રોકડની ચોરી કરી હતી. જ્યારે બીજી ઘટનામાં માલિયાસણ પાસે સનરાઈઝ પાર્કમાં રહેતા ધાર્મિક જગસીભાઈ મકવાણાના નામના યુવાને ફરિયાદમાં જણાવ્યું કે તે ગાડી લે-વેચનો ધંધો કરે છે. ગઈ તા. 1 ના રોજ દંપતિ સાળાના જન્મ દિવસમાં જામનગર ગયા હતાં. ગઈકાલે તેઓ બપોરના દોઢેક વાગ્યે પરત આવ્યા હતાં. ત્યારે ઘરની ડેલી ખોલી હતી અને ઘરમાં તપાસ કરતા દાગીના અને રોકડ સહિત રૂા. 35 હજારની ચોરી થયાનું માલુમ પડ્યું હતું. આ મામલે કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધી હતી.