થર્ટી ફર્સ્ટના બંદોબસ્ત વચ્ચે ત્રણ દુકાનમાં તસ્કરો ત્રાટક્યા, 1.26 લાખની ચોરી
સીસીટીવી કેમેરાના આધારે તપાસનો ધમધમાટ, યુનિવર્સિટી રોડ ઉપર જલારામ સોસાયટીનો બનાવ
થર્ટી ફર્સ્ટ શહેરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત વચ્ચે તસ્કરો જલારામ-4માં આવેલી ત્રણ દુકાનોમાં એક સાથે ત્રાટકી રૂૂા.1.26 લાખની રોકડ ચોરી કરી ગયાની ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે પીઆઇ એચ.એન.પટેલ અને સ્ટાફે આરોપીની તપાસ શરૂૂ કરી છે.વધુ વિગતો મુજબ,યુનિ. રોડ પર અક્ષર ભવન શેરી નં.1માં રહેતા અને જલારામ-4માં કકકડ બ્રધર્સ નામે દુકાન ધરાવતાં મિતભાઈ વિજયભાઈ કકકડ (ઉ.વ.33)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં દુકાન વધાવી હતી.ગઈકાલ સવારે નવેક વાગ્યે ઘરે હતા ત્યારે બાજુમાં શ્રીનાથજી શોપીંગ સેન્ટરના માલીક વિપુલભાઈ માકડીયાએ તેની દુકાનમાં ચોરી થયાનું જણાવ્યું હતું.
જેથી તુરંત દુકાને પહોંચ્યા હતા.તે વખતે વિપુલભાઈએ જણાવ્યું કે તેની દુકાનના ઉપરના ભાગે આવેલ વેન્ટીલેશનની ગ્રીલ તુટેલી છે. તેની દુકાનના ગલ્લામાંથી રૂૂા.6 હજારની ચોરી થઈ છે. જેથી તેણે પોતાની દુકાન ચેક કરતાં તેમાં પણ ઉપર આવેલ વેન્ટીલેશનની ગ્રીલ તુટેલી હતી.સામાન બધો વેરવિખેર પડયો હતો.દુકાનના ગલ્લામાંથી રોકડા રૂૂા.90 હજાર ગાયબ હતા. આજ રીતે બાજુમાં આવેલી નીલભાઈ ગણાત્રાની વસંત સ્ટોર નામની દુકાનમાં પણ વેન્ટીલેશનની ગ્રીલ તુટેલી હતી. તેની દુકાનના ગલ્લામાંથી પણ રોકડા રૂૂા.30 હજાર ગાયબ હતા.
જેથી ત્રણેય વેપારીઓએ સાથે મળી ગાંધીગ્રામ-2 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે સીસીટીવી કેમેરા વગેરેના આધારે તપાસ આગળ ધપાવી છે.થર્ટી ફર્સ્ટને અનુલક્ષીને શહેરભરમાં સજ્જડ પોલીસ બંદોબસ્ત હતો.આમ છતાં સતત ધમધમતા વિસ્તારમાં એક સાથે ત્રણ દુકાનોમાં તસ્કરોએ ચોરી કરી હતી.