ફાડદંગ ગામે 100 વર્ષ જૂના મેલડી મંદિરમાં તસ્કરો ત્રાટકયા
માતાજીને શણગાર કરેલા 1.92 લાખના સોના-ચાંદીના દાગીના લઇ ત્રીપુટી ફરાર
રાજકોટ નજીક ફાડદંગ ગામે ડેરોઈ ગામ તરફ જવાના રસ્તે આવેલા 100 વર્ષ જૂના વાંઘારી મેલડી માતાજીના મંદિરને નિશાન બનાવી અજાણ્યા ત્રણ તસ્કરો માતાજીની મૂર્તિમાં ચડાવેલા રૂૂા.1.92 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના ચોરી ગયાની કુવાડવા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
કુવાડવા રોડ પોલીસે આ અંગે ગિરીશભાઈ કાનજીભાઈ કથીરીયા (ઉ.વ.43, રહે. જયસન પાર્ક મોરબી રોડ, રાજકોટ, મૂળ ફાડદંગ)ની ફરિયાદ પરથી ગુનો દાખલ કરી તપાસ શરૂૂ કરી છે. ગિરીશભાઈએ જણાવ્યું કે તે ખેતી કામ કરે છે. તેમના પત્ની ગામનાં સરપંચ છે. ગામના વાડી વિસ્તારમાં ડેરોઈ ગામ તરફ જવાના રસ્તે 100 વર્ષ જૂનું વાંઘારી મેલડી માતાજીનું મંદિર આવેલ છે. જે મંદિરમાં આરતી કરવાનું કામ તેજ ગામના મનસુખભાઈ ફુલતરીયા કરે છે.
સવારે મનસુખભાઈએ ફોન કરી જણાવ્યું હતું કે તે મંદિરે આરતી કરવા આવ્યા ત્યારે મંદિરની બારી તૂટેલી હાલતમાં છે, સામાન વેર-વિખેર હાલતમાં છે, તમે આવો, કહેતાં તે ત્યાં મંદિરે ગયા હતા. તપાસ કરતાં મંદિરમાં દિવાલમાં સ્થિત બારી તૂટેલી જોવા મળી હતી. જયારે માતાજીની મૂર્તિના આગળના ભાગે સ્ટીલની ગ્રીલ પણ તૂટેલી હાલતમાં હતી. માતાજીની મૂર્તિને ચડાવેલા રૂૂા.1.92 લાખના સોના-ચાંદીના દાગીના જોવા મળ્યા ન હતા.આથી મંદિરના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ત્રણ અજાણ્યા બુકાનીધારી શખ્સો કેદ થયા હતા.હાલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂૂ કરી છે.