ધોરાજીમાં તસ્કરોનો તરખાટ, એક જ રાતમાં 13 કારખાનામાં ચોરી
પાંચ કારખાનામાંથી 88 હજારની રોકડ ઉઠાવી ગયા, 8 કારખાનામાં કશું હાથ ન લાગ્યું, બુકાનીધારી તસ્કર ટોળકીને પકડવા જિલ્લાભરની પોલીસ કામે લાગી
ધોરાજીના જુનાગઢ રોડ ઉપર આવેલ ઔધોગિક વિસ્તારમાં ચાર બુકાનીધારી તસ્કરોએ આંતક મચાવી 13 થી વધુ કારખાનાઓને નિશાન બનાવી પોલીસની ઉઘ ઉડાડી દીધી છે. તસ્કરોને પાંચ કારખાના માંથી રૂૂ.88 હજારની રોકડ હાથ લાગી હતી. જયારે અન્ય 8 જેટલા કારખાનામાં કશું હાથ લાગ્યું ન હોય ત્યાં તોડફોડ કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.આ બુકાનીધારી તસ્કર ટોળકીને પકડવા જિલ્લાભરમાં નાકાબંધી કરી પોલીસે તપાસ શરુ કરી છે.
મળતી વિગતો મુજબ આ મામલે ધોરાજીના જૂનાગઢ રોડ ઔધોગિક વિસ્તારમાં ચાર બુકાનીધારી તસ્કરોએ આંતક મચાવી એક જ રાતમાં 13 કારખાનાને નિશાન બનાવ્યા હતા. તસ્કરોએ કારખાનાઓના તાળાં અને શટર ઉચકાવી રોકડ રકમની ચોરી કરી હતી સાથે તોડફોડ પણ કરી હતી.
આ મામલે ઉપર ધોરાજીના જૂનાગઢ ગોકુલ પેકેજિંગ નામે કારખાનું ચલાવતા અને ધોરાજી હીરપરા વાડી પાસે રહેતા હરસુખભાઈ કનુભાઈ ગેવરીયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમની ધોરાજી ખાતે જુનાગઢ રોડ પર આવેલ ગોકુલ પેકેજીંગ નામના પ્લાસ્ટીકના કારખાના માંથી તસ્કરો રૂૂ.30,000 ની રોકડ રકમની તથા આજુબાજુમાં આવેલ અન્ય કારખાનાઓ જેમાં મોસમ પ્લાસ્ટિક નામના કારખાનામાંથી રૂૂ.4500 ની રોકડ રકમની તથા રજવાડી એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાંથી રૂૂ.32,000 ની રોકડ, યુનિક પ્લાસ્ટિક નામના કારખાનામાંથી રૂૂ.12,000/- ની રોકડ,ઓમ સાઇ નામના કારખાનામાંથી રૂૂ.10,000ની રોકડ રકમની એમ કુલ 5 કારખાનાઓમાંથી રૂૂ.88,500 જેટલી રોકડ રકમની ચોરી કરી ગયા હતા તથા અન્ય 08 કારખાનાઓ જેમાં પરીન પ્લાસ્ટિક,શ્રી ઇન્ડ્રસ્ટ્રીયલ ,અર્જુન પ્લાસ્ટિક ,જેનરી એન્ટરપ્રાઇઝ, નિલેશ પોલીમર્સ ,સુમિત પોલીમર્સ , કે.કે.પોલીમર્સ , ખોડલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનાઓમાં ચોરીનો પ્રયાસ કર્યો હતો.જેમાં કશું હાથ નહી લગતા તસ્કરોએ કારખાનામાં તોડફોડ કરી હતી. આ ચોરીના બનાવથી પ્લાસ્ટિક ઉદ્યોગ અને કારખાના માલિકોએ પ્લાસ્ટિક ઉદ્યોગના પ્રમુખ દલસુખભાઈ વાગડિયાને સાથે રાખી પોલીસ અધિકારીઓને ઓધોગિક વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી છે.
ધોરાજીમાં બનેલી ચોરીની ઘટના બાદ જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આ મામલે તાત્કાલિક તસ્કરોને પકડી લેવા સુચના આપી છે. ધોરાજીમાં બનેલી ચોરીની ઘટના બાદ આ તસ્કર ટોળકીનું પગેરૂૂ મેળવવા જીલ્લાભરમાં પોલીસે નાકાબંધી કરી તસ્કરોને ઝડપી લેવા જિલ્લાભરમાં તપાસ શરૂૂ કરી છે.