જૂનાગઢના શાપુરમાં તસ્કરો તાળુ તોડી તિજોરી ઉઠાવી ગયા
શાપુર ખાતેની કંપનીની ઓફિસનું તાળું તોડી તસ્કરો આખી તિજોરીની ઉઠાવી નાસી ગયા હતા. જમીનના પ્લોટ, દુકાનના દસ્તાવેજો સાથેની તિજોરીની ચોરીની ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી હતી. વંથલી પાસેના શાપુર ખાતે આવેલ ઓપટીમમ સર્વિસીઝ ઇન્ક. કંપનીની ઓફિસનું તાળું તોડી તસ્કરો ગઈ તા. 24 ઓક્ટોબરની રાત્રે ઓફિસમાંથી લોખંડની તિજોરી અને તેમાં રહેલ જૂનાગઢમાં દીક્ષા એસ્ટેટ ખાતે લીધેલ જમીનના પ્લોટ, ગુણાતીત પાર્ક જૂનાગઢ ખાતે લીધેલ પ્લોટ, 88 ઘંટેશ્વર પાર્ક રાજકોટ ખાતે લીધેલ પ્લોટ, ન્યુ જૂનાગઢ વાડલા ફાટક ખાતે લીધેલ પ્લોટ, કોટડા સાંગાણી ખાતે લીધેલ પ્લોટ અને રાજકોટમાં 150 રિંગ રોડ પર આવેલ કૃતિ ઓનીલા ખાતે લીધેલ દુકાનના અસલ દસ્તાવેજ તિજોરી સાથે ચોરી કરી નાસી ગયા હતા. ઘટના અંગે કંપનીના લીગલ એડવાઈઝર સુરજભાઈ વિજયભાઈ પરમારે મંગળવારે ફરિયાદ કરતા વંથલી પોલીસે કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી.