ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટકયા: રૂા.25 લાખની ચોરી
તાલુકાના અંતરજાળમાં આવેલી સુદામાપુરી સોસાયટીમાં એક બંધ મકાનનાં તાળાં ખોલી અંદર ઘૂસેલા શખ્સોએ મકાનમાંથી રોકડ રૂૂા. 25 લાખની ચોરી કરીને નાસી ગયા હતા. બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. અંતરજાળની સુદામાપુરી સોસાયટી મકાન નંબર 14માં ગઈ કાલે ધોળા દિવસે બપોરથી સાંજના અરસામાં ચોરીનો આ બનાવ બન્યો હતો. મકાનમાં રહેનાર ફરિયાદી ગંગેશ્વર કરુણાશંકર પંડયા આદિપુર બારવાળીમાં પાતાળિયા પૂજા ભંડાર નામની પૂજાની સામગ્રીની દુકાન ચલાવે છે.
ફરિયાદીએ અગાઉ કિડાણા સીમમાં આવેલી પોતાની જમીન વેચતાં તેના તેમને રૂૂા. 40 લાખ મળ્યા હતા, જેમાંથી મોટા દીકરા સાગરના લગ્ન કરાવાયા હતા અને અન્ય 25 લાખ ઘરમાં મૂકી દેવાયા હતા. ગઈ કાલે બપોરે તેમના પુત્રવધૂને પિયરમાં જવાનું હોવાથી ફરિયાદી તથા તેમના પત્ની, પુત્રવધૂ અને નાનો પુત્ર વિવેક આદિપુર બસ સ્ટેન્ડે આવ્યા હતા, જ્યાંથી ફરિયાદી આધેડના પત્ની અને પુત્રવધૂ બસમાં બેસીને માધાપર ગયા હતા. જ્યારે ફરિયાદી અને તેમનો નાનો પુત્ર ઘરે ગયા હતા. બાદમાં વિવેક દુકાને ગયો હતો.
પાછળથી ફરિયાદી ઘરને તાળાં મારી દુકાને ગયા હતા. માધાપરથી તેમના પત્ની પરત આવતાં સમીસાંજે ગંગેશ્વર પંડયા તેમને લેવા બસ સ્ટેન્ડે જઈ ત્યાંથી બંને પોતાના ઘરે ગયા હતા, જ્યાં ઘરનું તાળું ખુલ્લું અને દરવાજો ખુલ્લો જણાયો હતો. અંદર તમામ સરસામાન બરાબર હતો, પરંતુ પેટીપલંગમાં રાખેલ બ્લૂ રંગની થેલી, જેમાં રોકડ રૂૂા. 25 લાખ હતા તે ગુમ જણાઈ હતી. લાખોની ચોરી થતાં તેમને માથે હાથ દેવાનો વારો આવ્યો હતો. પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ 10-12 દિવસ પહેલાં તાળાંની અન્ય એક ચાવી ગુમ થઈ હતી, જેને શોધવા છતાં મળી નહોતી. દરમ્યાન ગઈકાલે બપોરે ધોળા દિવસે કોઈ જાણભેદુએ ચાવી વડે તાળું ખોલી રૂૂા. 25 લાખની તફડંચી કરી હતી. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.