ચોરખાનુ બનાવી નાસિકથી રાજકોટ લાવેલા 1.55 લાખનો દારૂ ઝડપી લેતી એસએમસી
શહેરના ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ શિવધારા રેસીડેન્સીમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂા. 1.55 લાખની કિંમતનો દારૂ ભરેલું આઈસર ઝડપી પાડી રૂા. 7.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. નાશીકથી આઈસરમાં ચોરખાનું બનાવીને આ દારૂનો જથ્થો રાજકોટ લાવવામાં આવ્યો હતો. અને કટીંગ થાય તે પૂર્વે જ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાંટકી હતી. આ દારૂ કોને સપ્લાય કરવાનો હતો તે બાબતે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી એસએમસીના દરોડાથી પોલીસ બેડામાં સોંપો પડી ગયો છે.
મળતી વિગતો મુજબ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી મોરબી હાઈવે પર શિવધારા રેસીડેન્સીમાં આઈસરમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્ટેટમોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડીવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એસ.વી. ગરચર અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આઈસરમાં ચોરખાનું બનાવીને છુપાવેલો રૂા. 1.55 લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો
. આઈસર નં. જીજે-3-ડીવાય-4674 સહિત રૂા. 7.20 લાખનો મુદાદામાલ કબ્જે કરી એસએમસીની ટીમે કુવાડવા રોડ પર એલ.પી. પાર્ક્રમાં રહેતા મનિશ પ્રભાતભાઈ હેરમા તેમજ બેડીપરાના કલ્પેશ ઘનુભાઈ દેવુભા દીંગજીની ધરપકડ કરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું કે, આ બન્ને શખ્સો નાશીકથી આઈસરમાં ચોરખાનું બનાવીને દારૂનો જથ્થો રાજકોટ લાવ્યા હતાં. અને તે જથ્થો કટીંગ કરીને બુટલેગરને સપ્લાય કરવાનો હતો તે પૂર્વે જ એસએમસીએ દરોડો પાડી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાથી સ્થાનિક બી ડિવિઝન પોલીસ સામે આ દરોડા બાદ હવે પગલા ભરવામાં આવશે તેમ ચર્ચાઈ રહ્યું છે.