જામનગરના દરેડમાં એસએમસીનો દરોડો: 1.80 લાખનો દેશી દારૂ પકડાયો
જામનગરના દરેડમાં દેશી દારૂના અડ્ડા ઉપર પોલીસે દરોડો પાડ્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળેલી બાતમીના આધારે દરેડના ભોપા ચારણની દુકાનમાં દરોડો પાડી રૂા. 1.80 લાખનો 895 લીટર દેશી દારૂ એસએમસીએ કબ્જે કરી બે શખ્સોની ધરપકડ કરી ત્રણની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હઠળ ડીવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એસ.વી. ગરચર અને તેમની ટીમે જામનગરના દરેડ ગામે ભોપા ચારણની દુકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ત્રણ વાહનોમાં દેશી દારૂની હેરાફેરીનું નેટવર્ક ખુલ્યું હતું. એસએમસીના દરોડામાં લાલપુરનો હર્ષદ ઉર્ફે લાલો દિનેશભાઈ ગુજરિયા અને ભોપાનો નોકર માર્કેટીંગ યાર્ડ લાલપુર પાસે રહેતો દેવસુરભાઈ આલાભાઈ ઘોડાની ધરપકડ કરી રૂા. 1.80 લાખનો 895 લીટર દારૂ તથા ત્રણ વાહનો મળી રૂા. 7.66 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આ દરોડાની તપાસમાં એસએમસીઅ ે પુછપરછ કરતા દારૂના સપ્લાયર તરીકે મુખ્ય આરોપી સકુર ભાદાભાઈ રબારી (રહે. દેવભૂમિ દ્વારકા-ભાણવડ) તથા જામનગરનો દરેડનો ભોપા મટકા ઉર્ફે ચારણ અને દારૂનો જથ્થો મોકલનાર તેના નોકરનું નામ ખુલ્યું હોય આ તમામની શોધખોળ શરૂ કરવામાં આવી છે.