ખંભાળિયામાં ડીઝલ ચોરીના રેકેટ ઉપર એસએમસીનો દરોડો, 4 શખ્સો ઝડપાયા
ખંભાળિયામાં સ્ટેટમોનીટરીંગ સેલે દરોડો પાડી ઘર પાસે વાડો બનાવીને ચાલતા ડિઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરી ચાર શખ્સોની ધરપકડ કરી હતી. આ દરોડામાં એસએમસીએ રૂપિયા 17.55 લાખનું ડિઝલ તથા વાહનો મળી રૂા. 44 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મળતી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા પોતાના ઘરે ડીઝલ ચોરીનું રેકેટ ચલાવતો હોવાની બાતમીના આધારે સ્ટેટમોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડીવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી પીએસઆઈ એસએચ ગઢવી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં સુત્રધાર મહેન્દ્રસિંહ તથા ભાવેશ રવાભાઈ સારસિયા, ધર્મેન્દ્રસિંહ જીતુભા જાડેજા અને પ્રદિપ રવાભાઈ સારસિયાની ધરપકડ કરવામાં આવી હતી.
સ્થળ ઉપરથી એસએમસીની ટીમે રૂા. 90 હજારનું ડિઝલ સીઝ કર્યુ હતું. તેમજ વાહનમાં ડીઝલ ચોરી કરવાના સાધનો તથા 25 લાખના વાહનો અને 17.55 લાખનું સિઝ કરેલું ડિઝલ મળી રૂા. 44.13 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ કૌભાંડનો સુત્રધાર મહેન્દ્રસિંહ રવુભા જાડેજાએ પોતાના ઘર પાસે પતરાના શેડમાં વંડો બનાવી ત્યાં આ ડિઝલ ચોરીનું રેકેટ ચલાવતો હતો. ડિઝલ ભરીને આવતા ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી તેને બજારમાં વેચી નાખવામાં આવતું હતું. આ કૌભાંડમાં હજુ પણ અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.