ગઢડામાં કટિંગ સમયે SMC ત્રાટકી, 78.45 લાખનો દારૂ ઝડપાયો
SMCના દરોડા વખતે બૂટલેગર સહિત 7 શખ્સો ફરાર, 1 કરોડનો મુદ્દામાલ કબ્જે
બોટાદ જિલ્લાના ગઢડામાં દારૂના કટીંગ વખતે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ત્રાંટકી હતી. રાયપર ગામની સીમમાં ખુલ્લાખેતરમાં દારૂ ભરેલા ટ્રકમાંથી અન્ય ત્રણ વાહનોમાં દારૂનુ કટીંગચાલુ હતુ ત્યારે એસએમસીએ દરોડો પાડતા દારૂ મંગાવનાર બુટલેગર સહિતના સાત શખ્સો ભાગી છુટ્યા હતાં. સ્થળ ઉપરથી એસએમસીએ રૂા. 78.45 લાખની 14,565 બોટલ દારૂ સહિત એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળથી વિગતો મુજબ બોટાદના રાયપર ગામની સીમમાં દારૂનું કટીંગ ચાલતુ હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્તરાય અને ડિવાયએસપી કે.ટી. કામરિયાની સુચનાથી એ.વી. પટેલ અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નાસભાગ મચી ગઈ હતી અને એસએમસીએ સ્થળ ઉપરથી ચાર વાહનો કબ્જે કર્યા હતાં. જેમાં મોટા ટ્રકમાંથી યુટીલીટી સહિતના ત્રણ નાના વાહનોમાં દારૂનુ કટીંગ ચાલતું હોવાનું સામે આવ્યું હતું. એસએમસીએ દરોડો પાડી રૂા. 78.45 લાખની કિંમતની 14,565 બોટલ વિદેશી દારૂ અને વાહનો મળી એક કરોડનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ દરોડામાં તપાસ દરમિયાન દારૂનો જથ્થો રાયપરના લિસ્ટેડ બુટલેગર વિજય રવુભાઈ બોરીચાએ મંગાવ્યો હોય અને દારૂનો જથ્થો રાજસ્થાનના બસવાડાના કુરસિંહે મોકલાવ્યો હતો. નાશી છુટેલા ટ્રક નં. અરજે 10 જીબી 654 તથા પીકઅપ વાન જીજે 3 ડીવાય 4512ના ચાલક બોલેરો પીકઅપ નં. જીજે 36 ટી 4529 અને બોલેરો નંબર જીજે 1 એચટી 3371ના ચાલકોને વોન્ટેડ જાહેર કર્યા છે. તેમજ દરોડા વખતે ત્યાં હાજર મજુરોની પણ પોલીસે શોધખોળ શરૂ કરી છે.