કાલાવડના ટોડા ગામની સોલાર પ્લાન્ટ કેબલ ચોરીમાં છ શખ્સોની ધરપકડ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા માંથી તાજેતરમાં થયેલા કેબલ ની ચોરી નો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે તસ્કર ગેંગના 6 સભ્યોની અટકાયત કરી લીધી છે. જેણે મીતાણા ની પણ ચોરી કરી હોવાની કબુલાત આપી છે.
કાલાવડ તાલુકાના ટોડા ગામની સીમમાં ખાનગી કંપનીના સોલાર પ્લાન્ટ માંથી કેબલની ચોરી થઈ હતી, જે અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદના અનુસંધાને કાલાવડ ગ્રામ્ય પોલીસની ટીમે ઊંડાણપૂર્વકની તપાસના આધારે કેબલ ચોરી કરનાર ગેંગના છ સભ્ય ઉમેશ માધુભાઈ સોલંકી કુવાડવા રોડ રાજકોટ, રવિ ઇશ્વરભાઇ ધધાણીયા- પ્રદ્યુમનનગર રાજકોટ, આલીશા જુસબશા શેખ અંજાર કચ્છ, રહીમશા જુસબશા શેખ અંજાર કચ્છ, બિલાલ ઉર્ફે મોસીન હિંગોરજા, તેમજ બુધનશા ઉર્ફે બાવલો મામદશા ફકીર પાસેથી વાયર કટીંગ કરવાના કટર સહિતના હથિયારો કબજે કર્યા છે. જેઓ દ્વારા મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના મીતાણા ગામમાં આવેલી પવન ચક્કીમાંથી પણ કેબલની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.
ઉપરોક્ત તમામ આરોપીઓનો ગુન્હાહિત ઇતિહાસ છે, અને તમામ આરોપીઓ અલગ-અલગ ચોરીના ગુન્હામાં અગાઉ પકડાઈ ચૂક્યા છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ તમામની ઊંડાણપૂર્વકની પૂછપરછ ચલાવી રહી છે.