લીંબડી હાઇવે પર હોટેલમાં પેટ્રોલ, ડીઝલની ચોરી કરતા છ શખ્સો ઝડપાયા
હોટેલ સંચાલક સહિત છ શખ્સોની પૂછતાછ, 1 કરોડનો મુદ્દામાલ જપ્ત
લીંબડી હાઈવે પર કટારિયા ગામ નજીક આવેલી હોટલના કમ્પાઉન્ડમાં પેટ્રોલ, ડીઝલની ચોરી કરતા 6 શખસ ઝડપાયા હતા. એલસીબી ટીમે પેટ્રોલ, ડીઝલ, વાહન સહિત 1.06 કરોડના મુદ્દામાલ કબજે કર્યો હતો. લીંબડી હાઈવે પર એલસીબી ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી કે કટારિયા ગામ નજીક આવેલી યુપી, બિહાર, મહારાષ્ટ્ર ઢાબા નામની હોટલના કમ્પાઉન્ડમાં પેટ્રોલ, ડીઝલની ચોરી થઈ રહી છે.
સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબી ટીમે દરોડો પાડ્યો ત્યારે હોટલનો સંચાલક ચુડાનો જય ઉર્ફે જયરાજ ભુપતભાઈ રાઠોડ, કટારિયા ગામનો ગંભુ લાભુભાઈ મેણિયા, રાણાગઢ ગામનો ચેતન મફાભાઈ જોગરાણા, વસ્તડી ગામનો શૈલેષ ભરતસિંહ ગોહિલ, રળોલ ગામનો શિરાઝ મેમુદ ટિંબલીયા અને સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામનો રામક્રીપાલ રાજેન્દ્રપ્રસાદ યાદવ ટેન્કરમાંથી પેટ્રોલ ડીઝલની ચોરી કરતાં રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ચોરી કરેલા પેટ્રોલ અને ડીઝલના જથ્થો, 2 ટ્રક, 2 પીકઅપ, 1 સ્કોર્પિયો કાર, 6 મોબાઈલ ફોન, રોકડ રકમ સહિત 1.06 કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ પ્રકારની ચોરીના બનાવો વધવા પામ્યા છે.
