મિત્રએ ઉછીના લીધેલા રૂપિયાની ઉઘરાણી કરી છ શખ્સોએ પ્રૌઢનું અપહરણ કરી માર માર્યો
શહેરના કોઠારીયા રોડ સનાતન પાર્કમાં રહેતા પ્રૌઢનું છ શખ્સોએ અપહરણ કરી તેને ઢોર માર મારતાં આ બાબતે આજી ડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. હુમલામાં ઘવાયેલા પ્રૌઢે ફરિયાદમાં મિત્રએ લીધેલા ઉછીના રૂપિયાની ઉઘરાણી કરી આ પાંચ શખ્સોએ માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે. પ્રૌઢને બચાવવા ગયેલા તેના મિત્ર કાપડના વેપારીને પણ ટોળકીએ માર માર્યો હતો.
સનાતન પાર્કમાં રહેતા જગદીશભાઈ મનસુખભાઈ આસોદીયા (ઉ.52)એ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે દર્શિત સોરઠીયા, દિવ્યેશ ઠુમ્મર, જય, હિતેશ ડોડીયા, દર્શિતનો ભાઈ અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ જગદીશભાઈના મિત્ર કે જેણે દર્શિત સોરઠીયા પાસેથી રૂા.10.50 લાખ લીધા હતાં. જે રકમ તેને પરત આપી ન હોય જેથી તે વારંવાર ઉઘરાણી કરતો હોય અને જગદીશભાઈનો મિત્ર કોઈ જવાબ આપતો ન હોય તેથી આ ટોળકી જગદીશભાઈના ઘરે આવી હતી અને જગદીશભાઈનું સ્કુટરમાં ધરાર અપહરણ કરી લીધું હતું. આ ટોળકીએ જગદીશભાઈને સ્કુટર ઉપર થોડે દૂર લઈ ગયા હતાં અને પટ્ટા વડે તેમજ ઢીકા પાટુનો માર મારી 10.50 લાખના બદલે 22 લાખ આપવા પડશે તેવી ધમકી આપી કોઈપણ ભોગે રૂપિયા તાત્કાલીક આપવા માટે દબાણ કર્યુ હતું.
જેથી જગદીશભાઈએ પોતાનો જીવ બચાવવા માટે તેમના પરિચિત લાલા રઘુવંશી કાપડવાળા પ્રદિપભાઈને ફોન કરીને આ ટોળકી જગદીશભાઈને જ્યાં લઈ ગઈ હતી ત્યાં બોલાવ્યા હતાં. પ્રદીપભાઈ ત્યાં પહોંચ્યા ત્યારે આ ટોળકીએ પ્રદીપભાઈને પાઈપ વડે માર માર્યો હતો અને ત્યારબાદ આ ટોળકી બન્નેને ત્યાંજ રેઢા મુકીને ભાગી ગઈ હતી.
પ્રદીપભાઈ અને જગદીશભાઈએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ મામલે આજી ડેમ પોલીસ મથકમાં સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આ બાબતે જગદીશભાઈની ફરિયાદ લઈ દર્શિત સોરઠીયા, દિવ્યેશ ઠુંમર, જય અને હિતેશ ડોડીયા સાથે દર્શિતના ભાઈ અને અજાણ્યા શખ્સ સહિત છ સામે ગુનો નોંધી આ ટોળકીની શોધખોળ શરૂ કરી છે.