બીમાર પુત્રને સાજો કરવા છ બકરાની બલી ચડાવી
રાજકોટનાં પરિવારે માતાજીનો માંડવો યોજી 15 બકરા ચડાવવાની માનતા રાખી હતી
જીવ રક્ષા ફાઉન્ડેશનની ટીમે ત્રાટકી 9 બકરાને જીવતા બચાવી લીધા
રાજકોટમાં અંધશ્રધ્ધાનો એક કાળજુ કંપાપી દેવો એક બનાવ સામે આવ્યો છે. બિમાર પુત્રની સારવાર માટે પરિવારે 15 પશુઓની બદલી ચડાવવાની માનતા રાખી હોય અને તેમાં છ પશુની બલી ચડાવી દેવામાં આવી હતી. બાદમાં આ મામલે જીવ રક્ષા સમિતિને તેની જાણ થતાં વહેલી સવારે દરોડો પાડવામાં આવ્યો હતો અને 9 જેટલા માસુમ પશુઓને બચાવી લેવામાં આવ્યા હતાં. જો કે જીવ રક્ષકની ટીમ ત્યાં પહોંચી તે પૂર્વે છ પશુની બલી ચડાવી દેવામાં આવી હતી. જીવરક્ષક સમિતિ અને પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે માંડવાનું આયોજન કરનાર અને ત્યાં હાજર બે ભુવા સહિત આઠ લોકો ફરાર થઈ ગયા હતાં.
રાજકોટનાં ગ્રીનલેન્ડ ચોકડી નજીક ચૌહાણ પરિવાર દ્વારા વિહત માતાજીના માંડવાનું આયોજન કર્યુ હતું. ચૌહાણ પરિવારનો પુત્ર બિમાર હોય જે સાજો થઈ જાય તે માટે 15 બોકડાની બદલી ચડાવવાની માનતા રાખવામાં આવી હતી. ગઈકાલે મોડીરાતથી ચાલુ થયેલા આ વિહત માતાજીના માંડવામાં ધાર્મિક કાર્યક્રમ સાથે માનવતાને શરમાવે તેમ 15માંથી 6 બોકડાની બલી ચડાવી દેવામાં આવી હતી. આ મામલે જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટને જાણ થતાં તેમની ટીમ પોલીસને સાથે રાખી ગ્રીનલેન્ડ ચોકડી પાસે જ્યાં વિહત માતાજીનો માંડવો ચાલુ હતો ત્યાં પહોંચી હતી. પોલીસ અને જીવ રક્ષાની ટીમ આવતાની સાથે જ ત્યાં માંડવામાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
સ્થળ ઉપરથી 9 જેટલા બોકડાને બચાવી લેવામાં આવ્યા હતાં. આ ટીમે દરોડો પાડયો ત્યારે 6 પશુની બલી ચડાવી દેવામાં આવી હતી અને આ 6 પશુઓના કપાયેલા અવશેષો સ્થળ ઉપરથી મળી આવ્યા હતાં. આ મામલે થોરાડા પોલીસમાં જીવરક્ષાની ટીમે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે. સમાજમાં ફેલાયેલી અંધશ્રધ્ધા અને પશુ ઉપર ક્રુરતાના આ ઘેરા મૂળીયા દર્શાવે છે. પોલીસે આ કેસમાં કડક કાર્યવાહી કરી અને દાખલારૂપ કાર્યવાહી કરવા જેથી ભવિષ્યમાં આવા અમાન્વીય કૃત્યનું પુનરાવર્તન ન થાય તેવી જીવદયા પ્રેમીઓમાં માંગ ઉઠી છે.
ચૌહાણ પરિવારના માંડવામાં ભુવા જેશીંગ ચૌહાણ અને કાળુ ચૌહાણ પણ હાજર હતાં. બિમાર પુત્ર સાજો થઈ જાય તે માટે નિર્દોષ જીવની બલી ચડાવવાની માનતા રાખનાર ચૌહાણ પરિવાર વિરૂધ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. ગઈકાલે રાતથી શરૂ થયેલા વિહત માતાજીના માંડવામાં એક પછી એક છ બોકડાને બલી ચડાવી કાપી નાખવામાં આવ્યા હતાં. આ મામલે જ્યારે જીવરક્ષા સમિતિને જાણ થઈ ત્યારે ટીમના પાંચ થી છ સભ્યો ત્યાં દોડી ગયા હતાં. જો જીવરક્ષાની ટીમ 10 મીનીટ પછી પહોંચી હોત તો આ તમામ 15 પશુઓની બલી ચડી ચુકી હોત. વર્તમાન યુગમાં અંધશ્રધ્ધાનો કેટલો ફેલાવો છે તે આ ઘટના ઉપરથી સ્પષ્ટ થાય છે. માનવતાને શરમાવે તે રીતે છ નિર્દોષ પશુઓની બલી ચડાવનાર ચૌહાણ પરિવાર સામે જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
માંડવામાં હાજર બે ભુવા અને ચૌહાણ પરિવારના છ સભ્યો સહિત 8ની શોધખોળ
ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચૌહાણ પરિવાર દ્વારા આયોજીત વિહત માતાજીના માંડવામાં પુત્રને સાજો થઈ જાય તે માટે 15 પશુઓની બલી ચડાવવાની માનતા રાખી હોય જેમાં છ પશુઓની બલી ચડાવી દેવામાં આવી હતી. વહેલી સવારે જીવરક્ષા ફાઉન્ડેશનની ટીમ અને પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડામાં ત્યાં હાજર ભુવા જેશીંગ ચૌહાણ, પઢીયાર કાળુ ચૌહાણ તેમજ ચૌહાણ (સરાણીયા) પરિવારના વિજય ચૌહાણ, પ્રતાપ ચૌહાણ, અરવિંદ ચૌહાણ, આકાશ ચૌહાણ, મોહિત ચૌહાણ અને ભકુર ચૌહાણ ત્યાંથી ફરાર થઈ ગયા હતાં. આ મામલે થોરડા પોલીસે જીવરક્ષા ફાઉન્ડેશનની ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર થઈ ગયેલા બે ભુવા સહિત ચૌહાણ પરિવારના છ સભ્યોની શોધખોળ શરૂ કરી છે. પોલીસે સ્થળ ઉપરથી બલી ચડાવેલા પશુના અવશેષો પુરાવા રૂપે કબજે કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.