ગુજરાતના મંત્રીનો પુત્ર નાગાલેન્ડથી બંદૂકનું લાઈસન્સ લાવ્યો હોવાનો ધડાકો
બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં હાલ તપાસ ચાલી રહી છે ત્યારે સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા ઓલપાડના ધારાસભ્ય અને મંત્રી મુકેશ પટેલના પુત્ર વિશાલે પણ નાગાલેન્ડથી ત્રણ વર્ષ અગાઉ લાઇસન્સ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. તે લાઇસન્સમાં રહેણાંકની કોલમમાં દીમાપુરનું સરનામું છે અને વિશાલ તેમજ અન્ય બે વ્યક્તિએ નાગાલેન્ડથી લાઇસન્સ મેળવ્યા બાદ સુરત પોલીસમાં ટેકન ઓવરની અરજી કરી નોંધણી કરાવી દીધી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બોગસ ગન લાઇસન્સ કૌભાંડમાં સુરતના એક મંત્રીના પુત્રની ચર્ચા હતી. આ દરમિયાન, સોમવારે (14 એપ્રિલ) મીડિયામાં ફરતા થયેલા પુરાવાઓ મુજબ સુરતના જહાંગીરપુરા ખાતે રહેતા અને મૂળ ઓલપાડના વતની તેમજ ત્યાંના જ ધારાસભ્ય મુકેશ પટેલના દીકરા વિશાલે વર્ષ 2022માં નાગાલેન્ડથી ત્રણ વર્ષ અગાઉ લાઇસન્સ મેળવ્યું હતું. આ લાઇસન્સમાં વર્તમાન રહેણાંકની કોલમમાં દીમાપુરનું રાઝુફે ઈન્ડસ્ટ્રીયલ વિલેજ ઘર નં.123નું સરનામું છે. જયારે વેપન લાઇસન્સ બુકમાં વિશાલ પટેલનું સરનામું પટેલ ફળિયું, નઘોઈ, ઓલપાડ, સુરત લખવામાં આવ્યું છે. પરંતુ, પોલીસ સ્ટેશનના કોલમમાં જહાંગીરપુરાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2022માં વિશાલ પટેલે લાઇસન્સ 20 રૂૂપિયાના સ્ટેમ્પ પેપર સહિતના દસ્તાવેજો નાગાલેન્ડ ઑથોરિટીને આપ્યાં હતા.
તેનું જે લાઇસન્સ ઇસ્યુ થયું હતું તેમાં યુનિક આઇડેન્ટીફીકેશન નંબર હાથથી લખવામાં આવ્યો છે અને તે લાઇસન્સ ઉપરાંત અન્ય બે વ્યક્તિના લાઇસન્સની સુરત પોલીસમાં ટેકન ઓવરની અરજી કરી નોંધણી કરાવી દીધી છે. આ અંગે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓનો સંપર્ક કરતા આ પ્રકરણમાં તપાસ ચાલી રહી હોવાનું જણાવી તે સાચું છે કે ખોટું તે તપાસ બાદ જાણવા મળશે તેમ જણાવ્યું હતું.