લખતરના ઢાંકી પમ્પિંગ સ્ટેશનમાંથી પ્રેમીપંખીડાની લાશ મળતા ચકચાર
અમદાવાદ શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતો પરિણીત પુરૂૂષ અને અપરિણીત યુવતી ગત તા. 1-2 ના રોજ ગુમ થયા હતા. આ બન્નેની લાશ લખતરના ઢાંકી પમ્પીંગ સ્ટેશનમાંથી સોમવારે મોડી રાત્રે મળી આવી છે. પોલીસે બન્નેની લાશને પીએમ માટે મોકલી પરિવારજનોને સોંપી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતરમાંથી 5સાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં અવારનવાર માનવ લાશો મળી આવે છે. ત્યારે સોમવારે મોડી રાત્રે પ્રેમીપંખીડાની સજોડે બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી. વધુમાં મળતી માહીતી મુજબ અમદાવાદના ઘાટલોડીયા વિસ્તારમાં રહેતા રિક્ષાચાલક સંજય ભીખાભાઈ ભરવાડ પરણીત છે. તેઓને સંતાનમાં 4 દિકરીઓ અને 1 દિકરો છે. તેમના વિસ્તારમાં રહેતી મુળ રાજસ્થાનની અપરિણીત યુવતી ખોરવાલદેવી સીતારામ સાથે તેઓને આંખ મળી ગઈ હતી. બન્ને ગત તા. 1-રના રોજ ઘરેથી ગુમ થયા હતા.
આ અંગેની પોલીસને જાણ થતા તપાસ દરમિયાન વિરમગામના સોકલી કેનાલ પાસે સંજયની ઓટો રિક્ષા, કપડા, મોબાઈલ અને યુવતીના ચપ્પલ મળી આવ્યા હતા. આથી બન્નેએ કેનાલમાં ઝંપલાવ્યુ હોવાનુ માની તપાસ કરાઈ હતી. બન્નેની લાશ એકબીજા સાથે બાંધેલી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતા લખતર પીઆઈ વાય.પી.પટેલની સુચનાથી સ્ટાફના રાજુભાઈ કુશાપરા, હીતેશભાઈ સહિતનો કાફલો દોડી ગયો હતો. અને ફાયરની ટીમની મદદથી લાશને બહર કઢાઈ હતી. આ અંગે પરીવારજનોને જાણ થતા તેઓ પણ ઢાંકી પહોંચ્યા હતા. અને લાશને ઓળખી બતાવી હતી. મૃતકોની લાશનું સરકારી દવાખાને પીએમ કરી પરિજનોને સોંપવામાં આવી હતી.