દુષ્કર્મ ગુજારનાર શખ્સને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો: બદનામીના ડરથી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
રાજકોટના કાંગશીયાળી ગામે રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ કેળવી તેને બ્લેકમેલિંગ કરી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર શખ્સ સામે ગુનો નોંધાયા બાદ પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લીધો હતો. ભોગ બનનાર યુવતીના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા યુવતીને માઠું લાગી આવતા યુવતીએ ફીનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટ ભાગોળે નવા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલા કાંગશીયાળી ગામે રહેતી 20 વર્ષીય યુવતીને લલચાવી પ્રેમજાળમાં ફસાવી કાંગશીયાળીના કલ્પવન સોસાયટી ફ્લેટ નંબર 1109માં રહેતા સાહિલ હિતેશભાઈ ડઢાંણીયાએ તેની આઠ માસ પૂર્વે દુષ્કર્મ ગુજારી વિડીયો ઉતારી લીધો હતો. સાહિલ દાઢણીયા નામના યુવાન સાથે પરિવારજનોએ સમજાવ્યા બાદ યુવતીએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેતા ધરાર પ્રેમીએ યુવતીને બ્લેકમેલિંગ કરવા ફેસબુક ઉપર બંનેના ફોટો વાયરલ કર્યા હતા. જેથી યુવતીને માઠુ લાગી આવતા ફિનાઈલ પી લીધું આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવ અંગે શાપર-વેરાવળ પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં સાહિલને ઝડપી લીધો હતો.