શેરબજારમાં મોટા વળતરના નામે સાત હજાર કરોડનું ફૂલેકું
દેશભરમાં ઓફિસો ખોલી, ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીનો માલિક કાંડ કરી ઓસ્ટ્રેલિયા નાસી ગયો
જો તમે પણ શેરબજારમાં રોકાણ કરો છો તો સાવધાન થઈ જજો. એવું જરાય ન માનતા કે નુકસાન માત્ર માર્કેટમાં ઘટાડાને કારણે જ થાય છે. આજકાલ રોકાણના નામે પણ લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે. આવો જ એક બનાવ હૈદરાબાદથી સામે આવ્યો છે. જેમાં મોટો નફો કમાવવાની લાલચમાં રોકાણકારોએ પોતાના હજારો કરોડ રૂૂપિયા ગુમાવ્યા છે.
આસામ ખાતે આવેલી આ બ્રોકિંગ કંપનીએ શેર બજારમાં મોટો નફો કમાવી આપવાની લાલચ આપી દેશભરના રોકાણકારો સાથે છેતરપિંડી આચરી છે. કેટલાક રોકાણકારોએ તો લાલચમાં આવીને કરોડો રૂૂપિયા ગુમાવ્યા છે. છેતરપિંડીની આ રકમ લગભગ 7 હજાર કરોડ રૂૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બ્રોકિંગ કંપનીના માલિક દીપાંકર બર્મન સામે હૈદરાબાદમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. સાયબરાબાદ પોલીસે આ ઓનલાઈન સ્ટોક બ્રોકિંગ કંપની વિરુદ્ધ છેતરપિંડી અને રોકાણકારોનો વિશ્વાસ તોડવા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
ડીબી સ્ટોક બ્રોકિંગ કંપનીએ દેશભરમાં તેની ઓફિસો ખોલી છે. આ કંપનીએ ગુવાહાટી ઉપરાંત હૈદરાબાદ, બેંગ્લોર અને મુંબઈમાં પણ પોતાની બ્રાન્ચ ખોલીને લાખો રોકાણકારો પાસેથી પૈસા જમા કરાવ્યાં હતા. પોલીસે આ મામલે તેલંગાણા પ્રોટેક્શન ઑફ ડિપોઝિટર્સ ઑફ ફાઇનાન્સિયલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ પણ 5 કેસ નોંધ્યા છે.
ગયા મહિને 23 સપ્ટેમ્બરે હૈદરાબાદમાં ફરિયાદ નોંધાવનાર સોફ્ટવેર એન્જિનિયર શમાઈ પંચખારે જણાવ્યું કે, તેમણે આ કંપની દ્વારા 11 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કંપનીએ સારું રિટર્ન આપવાનો વાયદો આપ્યો હતો, પરંતુ હવે તો અમારા પૈસા પણ મળવા મુશ્કેલ થઈ ગયા છે. કંપનીએ વ્યાજની રકમ પણ ચૂકવી નથી. અન્ય એક રોકાણકાર ગંતડી હરીશે તો ડિસેમ્બર 2022માં 88.5 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું. વિશ્વજીત સિંહે 36.80 લાખ રૂૂપિયાનું રોકાણ કર્યું હતું અને તેમને માત્ર 16.20 લાખ પરત મળ્યા છે.
તેલંગાણા પોલીસનું કહેવું છે કે, આ કેસનો ખુલાસા થયા બાદ અત્યાર સુધીમાં 23 હજાર રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. આસામ પોલીસે પણ આરોપી દીપાંકર બર્મન વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ આરોપી ભારતની બહાર ભાગી ગયો છે અને તે ઓસ્ટ્રેલિયામાં છુપાયેલો હોવાનું જાણવા મળે છે. આરોપીએ ઓસ્ટ્રેલિયામાં પણ ઘણા રોકાણકારો સાથે છેતરપિંડી આચરી છે અને ત્યાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યો છે.