જૂનાગઢમાં સગીરને માર મારવાના પ્રકરણમાં પાંચ સગીર સહિત સાતની ગણતરીની કલાકોમાં ધરપકડ
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતા પોલીસે કાર્યવાહી કરી ગુનો નોંધ્યો
જુનાગઢ શહેરમાં સોશિયલ મીડિયાના ડોન બનવાનું ભૂત વળગેલા કેટલાક યુવકો અને સગીરો દ્વારા એક અન્ય સગીર વિદ્યાર્થીને બેફામ માર મારવાનો અને ધમકી આપવાનો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જુનાગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા છે અને વધુ કાર્યવાહી આગળ હાથ ધરી છે.
જુનાગઢ ઉઢજઙ હિતેશ ધાંધલીયાએ આ સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે, નવરાત્રિના ચોથા નોરતે મધુવન પાર્ટી પ્લોટ ખાતે યુવાનોની અન્ય સગીર સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનું મનદુ:ખ રાખીને બે-ત્રણ દિવસ પહેલા રાજલક્ષ્મી પાર્ક સોસાયટી નજીક આવેલા કૈલાશવાડી વિસ્તારમાં સગીર વિદ્યાર્થીને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.
બોલાચાલીનો ખાર રાખીને બે પુખ્ત યુવકો અને પાંચ સગીરોએ ભેગા મળી કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે અવરોધ કરી કૈલાશ વાળી પાસે લઈ ગયા હતા.માર મારનારા બે પુખ્ત યુવકોની ઓળખ ક્રિસ શૈલેષભાઈ બુધ્ધદેવ અને જસ્મીન હિતેશભાઈ ચંદારાણા (બંને 19 વર્ષ) તરીકે થઈ છે. આ બંને યુવકોએ પાંચ સગીરો સાથે મળીને સગીર વિદ્યાર્થીને આડેધડ ઢીકા-પાટુ અને પટ્ટા વડે બેરહેમીથી માર માર્યો હતો. માર મારતી વખતે આરોપીઓએ સગીરને ધમકી આપી હતી કે, જો તું માફી નહીં માંગે તો તને વધારે માર મારશુ.
જુનાગઢ સી-ડિવિઝન પોલીસે આ સમગ્ર મામલે કડક હાથે કામ લેવા માટે ગણતરીની કલાકોમાં બંને પુખ્ત યુવકોને પકડી પાડ્યા છે.પોલીસે ગેરકાયદેસર અવરોધ, ગેરકાયદેસર મંડળી રચવી, માર મારવો, ઈજા પહોંચાડવી, ધમકી આપવી અને ગાળો આપવી સહિતની કલમો હેઠળ બંને યુવકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા પાંચ સગીરો વિરુદ્ધ નિયમ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ માર મારવાની ઘટના જૂની નાની માથાકૂટના કારણે મંડળી રચીને આચરવામાં આવી હતી.