સોલાર પેનલમાં સબસીડી આપવવાના બહાને રાજકોટના સાત લોકો સાથે ઠગાઇ
કોઠારીયા રોડ સાંઈબાબા સર્કલ પાસે આવેલી શ્રીજી ઇલેક્ટ્રિકવાળા મંથને સોલાર પેનલ નાખવા બાબતે સરકાર તરફથી સબસીડી મળશે તેવી લાલચ આપી છ લોકોના ઘરે સોલાર પેનલ નાખી અને બાદમાં 1.52 લાખ ઉઘરાવી 78 હજાર સબસીડી નહીં અપાવી વિશ્વાસ ઘાત કરતા બી ડિવિઝન પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
વિગતો મુજબ, ભગવતીપરા મેઈન રોડ જયપ્રકાશનગર શેરી નં.2માં રહેતા વિનોદભાઈ ખોડાભાઈ સોલંકી (ઉ.વ.58) દ્વારા બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે મંથન દિનેશભાઈ સતાસિયાનું નામ આપ્યું હતું. વિનોદભાઈએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેણે કોઠારિયા રોડ સાઈબાબા સર્કલ પાસે આવેલી શ્રીજી ઇલેક્ટ્રિકવાળા મંથન દિનેશભાઈ સતાસિયા સાથે સંપર્ક કેળવી તેઓને સોલાર પેનલ નાખવાનું જણાવતા તેઓ તા.05/02/2025ના રોજ તેના ઘરે આવ્યા હતા અને 3.25 કિલો/વોલ્ટનો સોલાર પેનલ નાખવાની કિંમત રૂૂ.1.52 લાખ જણાવ્યા હતા.
જેમાંથી સરકાર દ્વારા રૂૂ.78 હજારની સબસીડી મળવાપાત્ર હોય જે પ્રોસેસ તેઓના તરફથી જ હોવાનું જણાવ્યું હતું. આ ઘટનામાં દીપકભાઈ બારડ, લીલાવતીબેન ધડુક, દિનેશભાઈ વસોયા, અશોકભાઈ રાદડિયા, નારણભાઈ રાઠોડ તેમજ વિશાલભાઈ રાઠોડ સાથે પણ આ જ પ્રકારે સબસીડીનું કહી દિનેશભાઈએ સોલાર પેનલ ફિટ કરાવી દીધી હતી. બાદમાં સબસીડી ન મળતા બધાએ મળી વિશ્વાસ ઘાત થયાનું જણાવતા બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
