રાજકોટના વેપારી સાથે 26 કરોડની ઠગાઇમાં સાત પકડાયા
ટોળકીએ ‘ફાઇનલ-2’ નામની બનાવટી વેબપેજની લિંક તૈયાર કરી વેપારીઓ પાસેથી 500 ડોલરનું રોકાણ કરાવી કરોડો ખંખેર્યા હતા
રાજકોટમાં રહેતા વેપારી સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે રૂૂપિયા 26.66 કરોડની ઠગાઈ આચરાઈ હોવાની ફરિયાદ થોડાં દિવસો પહેલાં ગાંધીનગર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ ‘ફાઈનલ-2’ નામની બનાવટી વેબપેજની લિંક તૈયાર કરી હતી. આ લિંક દ્વારા વેપારી પાસેથી શરૂૂઆતમાં 500 ડોલરનું રોકાણ કરાવાયું હતું અને તેની સામે વર્ચ્યુઅલ નફો બતાવી વેપારીનો વિશ્વાસ જીત્યો હતો. બાદમાં અલગ અલગ સમયગાળા દરમિયાન કુલ રૂૂપિયા 26.66 કરોડ પડાવ્યાં હતા. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે રાજકોટમાંથી 7 આરોપીઓને ઝડપી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
સાયબર પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ટોળકી દ્વારા પહેલા વોટ્સએપ મારફતે વેપારીનો સંપર્ક કરાયો હતો. ત્યારબાદ શેરબજારમાં રોકાણ કરાવતી કંપનીના નામે બનાવટી વેબપેજ બનાવી વેપારીને મોકલાયું હતું. વેપારીનું રજિસ્ટ્રેશન કરાવી એને ઠગાઈની જાળમાં ફસાવ્યો હતો. આરોપીઓએ વેપારીને જુદા જુદા બેંક ખાતાના નંબર આપીને 500 ડોલરનું પ્રથમ રોકાણ કરાવ્યું હતું અને તેની સામે 101 ડોલરનો નફો વર્ચ્યુઅલ વોલેટમાં બતાવી રૂૂપિયા 43 હજારનું વિથડ્રોઅલ પણ કરાવ્યું હતું. જેના કારણે વેપારી ઠગોના વિશ્વાસમાં આવી ગયા હતા. બાદમાં ઓગસ્ટથી ઓક્ટોબર વચ્ચે વેપારી પાસેથી રૂૂપિયા 26.66 કરોડ પડાવી લેવામાં આવ્યા. ઠગાઈના નાણા ટોળકીના એકાઉન્ટમાં આવ્યા બાદ ATM અને ચેક દ્વારા વિડ્રો કરીને સાયબર માફિયાઓ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ફરિયાદ નોંધાયા પછી ગણતરીના દિવસોમાં જ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે તેમની પાસેથી 8 મોબાઇલ ફોન, 6 ડેબિટ કાર્ડ, 2 ચેકબુક, 2 પાસબુક અને 1 સિમકાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલામાંથી એક આરોપી બેંક કર્મચારી ઓછા અથવા પુરાવા વગર પણ સાયબર માફિયા માટે મ્યુલ બેંક ખાતાં ખોલી આપતો હતો. આ ઉપરાંત, તે ઠગાઈના નાણાં ઉપાડવા અને સાયબર માફિયાઓ સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયામાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે.પોલીસે તમામ આરોપીઓની પૂછપરછ શરૂૂ કરી છે, જેથી તેઓએ દેશભરમાં કેટલા મ્યુલ એકાઉન્ટ ખોલાવ્યા છે અને અન્ય કઇ ટોળકીઓ જોડાયેલી છે તેની દિશામાં વધુ તપાસ શક્ય બને.
ઝડપાયેલા સાતેય ‘સાયબર ગઠિયા’
1. અમીન અશરફભાઈ શાહમદાર (રહે. રાજકોટ, એકાઉન્ટ હોલ્ડર)
2. અબ્દુલ ગની જાહિદભાઈ ડાંગશિયા (રહે. રાજકોટ, એકાઉન્ટ હોલ્ડર અને ચેક વડે વિડ્રો કરનાર)
3. ભાવિન મારખીભાઈ કરંગિયા (રહે. રાજકોટ, ખાતા પ્રોવાઈડ કરનાર તથા રોકડ આંગડીયા મારફતે મોકલનાર)
4. આશીફ અમીનભાઈ થયમ (રહે. રાજકોટ, ઇન્ડસઇન્ડ બેંક કર્મચારી)
5. અનીસ નુરુદીન નરસીદાણી (રહે. રાજકોટ, એકાઉન્ટ હોલ્ડર)
6. હિરેનભાઈ રમેશભાઈ પિત્રોડા (રહે. રાજકોટ, એકાઉન્ટ હોલ્ડર)
7. અમન ઉર્ફે સાકીલ ચોટલીયા (રહે. રાજકોટ, મુખ્ય સૂત્રધાર તમામ રૂૂપિયા કલેક્ટ કરી સાયબર માફિયા સુધી પહોંચાડતો હતો)