હત્યા કેસમાં ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારતી સેશન્સ કોર્ટ
ભાણેજની છેડતી કરનારને ઠપકો આપવા બાબતે રાજકોટના વેલનાથ પરામાં સમાધાન કરવા બોલાવી કોઇતા અને છરીથી હુમલો કરી ત્રંબાવાસી મામાની હત્યા અને અન્ય એકને ગંભીર ઇજા પહોંચાડવાના આઇપીસી 302, 307 સહિતની કલમો હેઠળના કેસમાં અદાલતે ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા અને દંડનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, ગઈ તા.27/03/2016ના સાંજના સમયે મરણજનાર ભીમજીભાઈ નાજાભાઈ જાદવ તથા ઈજા પામનાર અનિલભાઈ દેદ્રોજા (રહે. ઈન્દીરા આવાસ યોજના કવાર્ટર, ગામ-ત્રંબા, રાજકોટ) બંનેએ મરણજનારની ભાણેજની છેડતી આરોપી વિપુલ ઉર્ફે સીટી હંસરાજભાઈ રાઠોડ (રહે. જંગલેશ્વર મેઈન રોડ, ગોવિંદનગરના છેડે, રાજકોટ) કરેલ હોય તેનો ઠપકો આપેલ હોય અને તે બાબતે ઝઘડો પણ થયેલ હોય જેના સમાધાન માટે રાજકોટ વેલનાથપરા ખાતે ગયા હતા, ત્યારે આરોપીઓ વિપુલ ઉર્ફે સીટી, અનિલભાઈ ગાંડુભાઈ રાઠોડ અને રાજેશભાઈ રમેશભાઈ સારોલા (રહે. રણુજા - લાપાસરી રોડ, વેલનાથપરા) ત્રણેયે પ્રિ-પ્લાન મુજબ સમાન ઈરાદો પાર પાડવા સ્થળ ઉપર મોટર સાઈકલોમાં આવીને પ્રથમ ભીમજીભાઈની કારમાં પથ્થરમારો કરેલો, ત્યાર બાદ ધારીયા જેવો કોયતો, છરી કાઢી હુમલો કરતા ભીમજીભાઈ અને અનિલભાઈને ગંભીર ઇજાઓ થઈ હતી, એ વખતે ગાડીમા અન્ય એક વ્યકિત ભાવેશભાઈ પણ હતા, જેમને આરોપીઓએ ધમકી આપી ભગાડી દીધા હતા.
એ વખતે આ કામના ફરિયાદી તે મરણજનારના ભાઈ ગાંડુભાઈ નાજાભાઈ જાદવ, તથા અન્ય સાહેદોએ આ બંનેને છોડાવવા જતા આરોપીઓએ તે લોકોને પણ જેમ ફાવે તેમ ગાળો આપી હથિયારો લઈ તેમની પાછળ દોડતા ભય પામીને ફરીયાદી તથા સાહેદો બનાવ સ્થળેથી ભાગી ગયેલા. અને આરોપીઓ ત્યાંથી બાઇકમાં નાસી ગયા હતા.
આ બનાવમાં ભીમજીભાઈ નાજાભાઈ જાદવનું મોત થઈ ગયેલ અને ઈજા પામનાર અનિલભાઈ હકુભાઈ દેદ્રોજાને ગભીર ઈજાઓ થયેલ હોય તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બાબતે ગાંડુભાઇની ફરિયાદ ઉપરથી હત્યા અને ગંભીર ઇજાના ગુના નોંધી પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. આ કેસ કોર્ટમાં ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષ તરફથી કુલ 19 મૌખિક પુરાવાઓ તપાસવામાં આવેલા, જેમાં ઈજા પામનાર, ડોકટર, પોલીસ અધિકારી વિગેરેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ફરીયાદ પક્ષ તરફથી 37થી વધુ દસ્તાવેજી પુરાવાઓ પણ રજુ રાખવામાં આવેલા, પુરાવાનું સ્ટેજ પુરુ થતા બંને પક્ષો તરફથી લબાણપુર્વકની દલીલો કરવામાં આવેલ અને ચુકાદાઓ રજુ કરવામાં આવ્યા હતા.
ફરિયાદ પક્ષ તરફથી એપીપી મહેશભાઈ જોષીએ ફરીયાદ પક્ષ તરફથી આરોપીઓ સામેનો કેસ નિ:શંકપણે પુરવાર થયાનું પોતાની દલીલમાં જણાવેલ, જે તમામ બાબતોને ધ્યાને લઈ અને ફરીયાદ પક્ષ તરફથી થયેલ દલીલોને યોગ્ય માનીને એડિશનલ સેશન્સ જજ એસ. કે. ગલારિયાએ ત્રણેય આરોપીઓને તકસીરવાર ઠરાવી આજીવન કેદની સજા તેમજ આરોપીઓને કુલ રૂૂા.30,000નો દંડ પણ ફટકાર્યો છે. આ હત્યાના કેસમાં ગુજરનારના વારસદારોને વળતર ચુકવવા માટેની પરીણામલક્ષી વિચારણા સંબંધે ચુકાદાની એક નકલ જિલ્લા કાનુની સેવા સતા મંડળને પણ મોકલવામાં આવી છે.
આ કેસમા સરકાર પક્ષે એ.પી.પી. તરીકે મહેશકુમાર જોષી રોકાયા હતા.