દ્દશ્યમ: વિસાવદરમાં સગીર ભાઇએ ભાઇ-ભાભીની હત્યા કરી દફનાવી દીધા
મૃતક મહિલાના પરિવારને શંકા જતા પોલીસ પાસે તપાસ કરાવતા ભાંડો ફૂટ્યો
15 વર્ષના સગીર ભાઇએ 10થી 15 દિવસ પહેલાં જ હત્યા કરી નાખી હતી, પોલીસે સકંજામાં લઇ તપાસ શરૂ કરી
વિસાવદર તાલુકાના શોભાવડલાની સીમમાં એક સગીરે તેના સગા ભાઈ અને ભાભીની ઘાતકી રીતે હત્યા કરી બંનેના મૃતદેહને તેના ઘરમાં જ દાટી દીધા હતા. હત્યા કર્યાને 10-12 દિવસનો સમય વીતી ગયો હતો. હત્યારા સગીરના ભાભીના પરિવારજનોએ કંઈક અજુગતું બન્યું હોવાની શંકા વ્યક્ત કરતા પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા ડબલ હત્યાનો બનાવ સામે આવ્યો છે. બંને મૃતદેહને મામલતદાર, પ્રાંત, એફએસએલ સહિતના અધિકારીઓની હાજરીમાં જમીનમાંથી બહાર કાઢી એફએસએલ પીએમ માટે જૂનાગઢ ખસેડાયા છે.
બીલખા માણેકવાડા સ્ટેટ હાઈવે પર કાનાવડલા અને શોભાવડલા ગામની વચ્ચે ખોડીયાર આશ્રમ તરીકે ઓળખાતી જગ્યામાં એક પરપ્રાંતિય શખ્સ મહંત તરીકે ઘણા સમયથી ત્યાં રહેતા હતા. મહંત અજયગીરીનું કોરોના સમયે અવસાન થયું હતું.મહંતની દીકરીઓના લગ્ન થઈ ગયા હતા અને તેમને બે પુત્ર હતા. મહંતના પુત્ર શિવમગીરી દશનામીના એકાદ વર્ષ પહેલાં કંચનબેન નામની પરપ્રાંતીય મહિલા સાથે લગ્ન થયા હતા. બંને પુત્ર અને તેમની માતા તથા શિવમગીરીની પત્ની કંચનબેન મંદિરમાં રહેતા હતા. શિવમગીરીની માતા પણ ભગવા કપડા પહેરે છે અને તેઓ કોઈ કામ સબબ બહારગામ ગયા હતા.
શિવમગીરીના 15 વર્ષના ભાઈએ 10થી 15 દિવસ પહેલા ઘરમાં જ તેમના ભાઈ અને ભાભીની લોખંડના પાઈપ સહિતના હથિયારો મારી ઘાતકી હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ બંનેના મૃતદેહ તેમના ઘરે જ જમીનમાં ખાડો ખોદી દાટી દીધા હતા. ત્યારબાદ હત્યારા સગીરે કોઈને જાણ જ નથી તેવી રીતે મંદિરે એકલો રહેતો હતો.
મૃતક કંચનબેનના પિતા સહિતના પરિવારજનોને કંચનબેનને ઘણા દિવસોથી ફોન કરતા હતા પરંતુ તેમનો કે તેમના પતિ શિવમગીરીનો સરખો જવાબ ન આપ્યો. જેથી કંઈક સંપર્ક ન થતા તેમણે કંચનબેનના દેરને ફોન કયી હતો પરંતુ દિયરે કોઈ અજુગતું થયું હોવાની કંચનબેનના પરિવારજનોને શંકા જતા તેઓ વિસાવદર પોલીસ સ્ટેશનને આવી સમગ્ર મામલે પોલીસને રજૂઆત કરી હતી.
પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ અર્થે રૂૂબરૂૂ દોડી ગઈ હતી. પોલીસ તપાસમાં ગઈ ત્યારે સગીર ભાઈ ત્યાં હતો અને તેની પૂછપરછ કરતા તે અગાઉ પોલીસને એવળે પાટે ચડાવવા પ્રયત્ન કરતો હતો. પોલીસે સૂઝબુજથી પૂછપરછ કરતા તેણે પોતાના સગા ભાઈ અને ભાભીની હત્યા કરી નાખી હોવાનો સ્વીકાર કયી હતો. પોલીસે પૂછપરછ કરી કે હત્યા કરી મૃતદેહનું શું કર્યું ? ત્યારે હત્યારા સગીરે કહ્યું કે બંનેના મૃતદેહ ઘરમાં ખાડો ખોદી દાટી દીધા છે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ દ્વારા એફએસએલ, મામલતદાર, પ્રાંત, તબીબ સહિતનાઓને સ્થળ પર રૂૂબરૂૂ બોલાવી ખાડો ખોદી બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. હાલ આ બંને મૃતદેહોને ફોરેન્સિક પીએમ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મૃતક કંચનબેન ગર્ભવતી હતા
કંચનબેન શિવમગીરી દશનામી ગર્ભવતી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હત્યારા સગીરે પોતાની સગી ભાભી અને ભાઈ માતા-પિતા બને તે ખુશી પણ ન જોઈ શક્યો. સમગ્ર બનાવ અંગે વિસાવદર પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આશ્રમમાંથી ભાગ આપે તેમ ન હોવાથી હત્યા કરી દીધાની કબૂલાત
15 વર્ષના સગીરે તેમના ભાઈ અને ભાભીને હત્યા કરવાના કારણ અંગે પોલીસ પાસે સ્વીકાર્યું હતું કે આશ્રમમાંથી તેનો મોટો ભાઈ શિવમગીરી તેને કોઈ ભાગ આપે તેમ ન હતો તેથી તેણે ભાઈ અને ભાભીની હત્યા કરી નાખી. 15 વર્ષના સગીરે સગા ભાઈ અને ભાભીની ઘાતકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
લાશ જલદી સડી જાય તે માટે બંનેને નિ:વસ્ત્ર કરી દાટ્યા
ભાઈ-ભાભીની લોથ ઢાળી દીધા બાદ સગીરે પોતાના જ આશ્રમના મકાનમાં ત્રિકમથી 5 ફૂટ જેટલો ઊંડો ખાડો ખોદ્યો. આ ખાડો કરતા કરતા બપોર પડવા આવી અને પછી એક જ ખાડામાં પોતાના ભાઈ-ભાભીના મૃતદેહોને દાટી દીધા. જો કે બન્નેને દાટતા પહેલાં સગીરે ગજબનું ભેજું દોડાવ્યું, તેણે લાશ જલદી સડી જાય તે માટે ભાઈ-ભાભીને નિર્વસ્ત્ર કરી દાટ્યા. એક તરફ ભાઈની ડેડબોડી મૂકી અને ભાઈના પગ પાસે ભાભીનું માથું મૂકી દાટી દીધા.
