જૂનાગઢની શ્રીજી ક્રેડિટ સોસાયટીના સંચાલકોનું લાખોનું કૌભાંડ, નોંધાતો ગુનો
શહેરના જયશ્રી રોડ ઉપર આવેલી શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના સંચાલકોએ પોતાના જ કર્મચારી સહિત અન્ય 24 લોકો પાસે નાણાકીય રોકાણ કરાવી પાકતી મુદતે રોકાણકારોના રૂૂપિયા પાછા નહીં આપતા ક્રેડિટ સોસાયટીના જ કર્મચારીએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ભારે ચકચાર મચી છે. શહેરના જોશીપુરા વિસ્તારમાં આવેલા અનુપમ એપાર્ટમેન્ટમાં રહેતા કિરણ દત્તાત્રેયભાઈ દયાળ જય શ્રી રોડ પર આવેલી શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીમાં નોકરી કરતા હતા. જે સમયે તેમને ક્રેડિટ સોસાયટીના ચેરમેન ભુવન જે. વ્યાસ સહિતના સંચાલકોએ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીમાં નાણા રોકવા સાથે સોસાયટીની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું.
જેથી કિરણભાઈએ વર્ષ 2019 થી 2021 સુધી પોતાના નામે 17, પત્નીના નામે 05 અને દીકરીના નામે 15 મળી કુલ 37 ફિક્સ ડિપોઝિટનાં ખાતા ખોલાવ્યા હતા. જેમાં તેઓએ કુલ રૂૂ. 14,56,652 ની રકમ રોકાણ કરી હતી. જે બાદ તેઓએ ક્રેડિટ સોસાયટીના સત્તાધીશો પાસે અવારનવાર માગણી કરતા ફક્ત રૂૂપિયા 1, 70લાખ ક્રેડિટ સોસાયટીના સંચાલકોએ પરત ચુકવ્યા હતા. બાકીની 12,86, 652ની રકમ પાકતી મુદ્દતે વ્યાજ સહિત પરત ક્રેડિટ સોસાયટીએ આપવાની રહેતી હોવા છતાં સોસાયટીના સંચાલકોએ એ રકમ તો પરત ન આપી પરંતુ કર્મચારીને તેમના મહેનતાણાનો નવ મહિનાનો પગાર પણ આપ્યો ન હતો. જેથી કિરણભાઈએ શ્રીજી ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીના ચેરમેન સહિતના સત્તાધીશો સામે છેતરપિંડી અને કાવતરું રચયાની કલમો હેઠળ ગુનો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ વધાર્યો છે.
ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, શ્રીજી ક્રેડિટ કો. ઓ. સોસાયટીના ચેરમેન સહિત 4 સંચાલકો વિરુદ્ધની વિશ્વાસ, છેતરપિંડી ફરિયાદની તપાસ એસઓજીનાં પીઆઇ પી. કે. ચાવડાને સોંપવામાં આવી છે. હાલ પુરાવા એકત્ર કરવા, નિવેદન નોંધવા સહિતની ઉંડાણપૂર્વકની તપાસનો ધમધમાટ શરૂૂ કરી દેવામાં આવ્યો છે. સંસ્થાનાં સંચાલકોએ આચરેલી છેતરપિંડીનો અન્ય લોકો ભોગ બન્યા હોય એવા લોકોએ એસઓજીનો સંપર્ક કરવો.
લાખો રૂૂપિયાની છેતરપિંડી બદલ શ્રીજી ક્રેડિટ સોસાયટીના ચેરમેન, મેનેજિંગ ડાયરેક્ટર, મેનેજર અને વાઈસ ચેરમેન વિરુદ્ધ ફરિયાદ આવી હતી. 4 આરોપી પૈકી વાઇસ ચેરમેન પરેશભાઈ ભીખાલાલ મહેતા મૃત્યુ પામ્યા હોવાનું ફરિયાદમાં વૃદ્ધ રોકાણકારે જણાવ્યું હતું.
વૃદ્ધ રોકાણકાર કિરણભાઈ દયાળની વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે શ્રીજી ક્રેડિટ કો.ઓ. સોસાયટીના ચેરમેન ભુવનભાઈ જે. વ્યાસ, મેનેજિંગ ડાયરેક્ટર પરાગ નિમાવત, મેનેજર ઉત્તમ કાછડીયા અને વાઇસ ચેરમેન પરેશભાઈ ભીખાલાલ મહેતા વિરુદ્ધ નવા કાયદા બીએનએસની કલમ 316 (5) એટલે કે ભેગા મળી ગુનાહિત વિશ્વાસઘાત કરવા સબબ તથા કલમ 61(2) ગુનાહિત કાવતરૂૂ રચવા સબબ અને જીપીઆઇડીએની કલમ 3, ધી પ્રાઈઝ ચિટ્સ એન્ડ મની સર્ક્યુલેશન (બેનીંગ) એક્ટ 1978ની કલમ 4, 5, 6 મુજબ ગુનો નોંધાવી કાર્યવાહી કરવામાં આવી હતી.