ખોટા ડોકયુમેન્ટના આધારે આધારકાર્ડ કાઢી આપવાનું કૌભાંડ
બોગસ આધારકાર્ડ કાઢી દેનાર રાજકીય અગ્રણીના સંબંધી સકંજામાં : તપાસમાં મોટુ રેકેટ ખુલશે
બ્રહ્મસમાજ ચોકમાં આધારકાર્ડ સેન્ટરમાં ક્રાઈમ બ્રાંચનો દરોડો
શહેરના બ્રહ્મસમાજ ચોકમાં આવેલા આધારકાર્ડ સેન્ટરમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડયો હતો.બ્રહ્મસમાજ ચોકમાં આવેલા આધારકાર્ડ સેન્ટરમાં ખોટા ડોકયુમેન્ટનાં આધારે આધારકાર્ડ બનાવી આપવાના રેકેટનો પર્દાફાશ થયો છે જેના આધારે આ મામલે ક્રાઈમ બ્રાંચ સમક્ષ પહોંચતાં ક્રાઈમ બ્રાંચની ટીમે દરોડો પાડયો હતો અને આ મામલે રાજકીય અગ્રણીના એક સંબંધીને સકંજામાં લઈ પુછપરછ હાથ ધરી છે. આ મામલે હજુ પણ મોટા ખુલાસા થઈ શકે છે.
મળતી વિગતો મુજબ શહેરના બ્રહ્મસમાજ ચોકમાં આવેલા સેન્ટરમાં ખોટા દસ્તાવેજના આધારે આધારકાર્ડ બનાવવામાં આવતું હોવાની માહિતી ક્રાઈમ બ્રાંચને મળી હોય જેના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે ગુપ્તરાહે તપાસ કરી આજે આધારકાર્ડ સેન્ટરમાં દરોડો પાડયો હતો. બ્રહ્મસમાજ ચોક ખાતે આવેલા આધારકાર્ડ સેન્ટરમાં દરોડો પાડવામાં આવતાં ત્યાંથી કેટલાક શંકાસ્પદ દસ્તાવેજો મળી આવ્યા હતાં. ખોટા ડોકયુમેન્ટના આધારે નીકળેલા આધારકાર્ડ અંગે પણ ક્રાઈમ બ્રાંચે તપાસ શરૂ કરી છે અને આ મામલે એક રાજકીય અગ્રણીના નજીકનાં સંબંધીની ધરપકડ પણ કરવામાં આવી છે.
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે હાલ સરકાર દ્વારા નકલી ડોકયુમેન્ટના આધારે નીકળતાં આધારકાર્ડને લઈને ખુબ ગંભીર બની છે અને આ મામલે સરકારે નકલી ડોકયુમેન્ટના આધારે નીકળતાં આધારકાર્ડ અંગે તપાસ કરવા આદેશ આપ્યા છે. આવા નકલી ડોકયુમેન્ટના આધારે નીકળતાં આધારકાર્ડનો દેશ વિરોધી પ્રવૃત્તિ તેમજ સાયબર ફ્રોડમાં ઉપયોગ થતો હોય ત્યારે રાજકોટ શહેરનાં બ્રહ્મસમાજ ચોકમાં આધારકાર્ડ સેન્ટરમાં આવા નકલી ડોકયુમેન્ટના આધારે આધારકાર્ડ બનાવી દેવાનું રેકેટ ખુલ્યું છે જે મામલે હાલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે. આધારકાર્ડ સેન્ટરમાં કામ કરતાં કર્મચારીઓ તથા અન્ય કોની કોની આમા સંડોવણી છે તેને લઈને જીણવટપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.
ક્રાઈમ બ્રાંચે આ મામલે હાલ રાજકોટ ભાજપના એક અગ્રણીના નજીકના સંબંધીને સકંજામાં લીધા છે. રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આ કૌભાંડ ચાલતું હતું અને કોને કોને આવા નકલી ડોકયુમેન્ટના આધારે આધારકાર્ડ કાઢી આપવામાં આવ્યા છે ? તે સહિતની બાબતો ઉપર હાલ તપાસ ચાલુ છે અને હજુ પણ આ મામલે વધુ ધરપકડ થાય તેવી શકયતા છે.