સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર ડીઝલ વેચાણનું કૌભાંડ ઝડપાયું: બેની અટકાયત
દ્વારકા એસઓજીએ 1200 લિટર ગેરકાયદેસર ડીઝલનો જથ્થો ઝડપ્યો
સલાયામાં માછીમારીની આડમાં ગેરકાયદેસર રીતે થતાં ડીઝલનાં વેચાણના કૌભાંડને દ્વારકા એસોજી ટીમે પકડી પાડ્યું છે. મળતી માહિતી મુજબ માછીમારીની આડમાં દરિયામાં મોટા બાર્જમાંથી કોઇપણ જાતની મંજૂરી કે સક્ષમ અધિકારીની મંજૂરી વિના બાર્જમાંથી ગેરકાયદેસર ડીઝલ પાઇપ લઈ અને પોતાની બોટમાં મોટો ડીઝલનાં જથ્થાને સંગ્રહ કરી અને આર્થિક લાભ માટે અન્યોને વહેંચાણ કરવાનું કૌભાંડ આચરવામાં આવતું હતુ સલાયાની બોટ અલ અબ્બાસી દરિયામાંથી એક મોટા બાર્જમાંથી પાઈપ વડે ગેર કાયદેસર ડીઝલનો મોટો જથ્થો લઈ આવેલ હતી.
આ આધારે અલ અબ્બાસી નામની માછીમારી બોટમાં જેનો ટંડેલ બિલાલ ઓસમાણ ભાયા હોય જે પોતાની બોટમાં કોઈપણ જાતની મંજૂરી કે સંગ્રહ કરવાના લાઇસન્સ વિના ગેરકાયદેસર 1200 લિટર ડીઝલનો જથ્થો દરિયામાંથી મોટા બાર્જમાંથી લઈ આવ્યો હતો. જે સલાયાના ડિવિ સોલ્ટ વિસ્તારમાં રહેતા આમદ સલેમાન હુંદડાએ બાર્જના ઓપરેટર સાથે ટેલિફોનીક વાત કરી 5 બેરલમાં ડીઝલનો જથ્થો બોટમાં મંગાવ્યો હતો.અને પોતાના મોબાઈલમાંથી ઓનલાઈન ગુગલ પે મારફત બાર્જના ઓપરેટરને પૈસા ચૂકવેલ હતાં. આ ડીઝલનો જથ્થો સલાયા આ બોટ મારફત મંગાવ્યો હતો.આ માછીમારી બોટએ ફિશરીઝ વિભાગનું ટોકન પણ ન લીધેલ હોવાનું સામે આવ્યું હતું.
આ તમામ ડીઝલનાં જથ્થાને સલાયા મરીન પોલીસ સ્ટેશનમાં લઈ અને બાર્જના ઓપરેટર તથા બોટના ટંડેલ બિલાલ ઓસમાણ ભાયા, આમદ સલેમાન હુંદડા નામના ત્રણેય આરોપી વિરૂૂધ સલાયા મરીન પોલીસમાં ભારતીય ન્યાય સહિતા,આવશ્યક ચીજ વસ્તુ ધારા તેમજ ફિશરીઝ એક્ટની કલમો મુજબ ગુન્હો નોંધવામાં આવ્યો છે.આ તમામ કામગીરીમાં એસોજીના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.ગોહિલ ,પીએસઆઈ કે.એમ.જાડેજા ,એએસઆઈ. હરદેવસિંહ ગુમાનસિંહ જાડેજા, તેમજ હરદીપસિંહ જાડેજા, નિર્મલભાઈ આંબલીયા, મહાવીરસિંહ ગોહિલ,કિશોરભાઈ ડાંગર જોડાયા હતા. આ કામગીરીથી ગેરકાયદેસર ડીઝલનાં કૌભાંડ કરતા અન્ય લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.