જૂનાગઢમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર-સિક્યુરિટી ગાર્ડ પર રેતી માફિયાઓનો હુમલો
ગેરકાયદે ખનીજ ખનન અને વહન અટકાવવા નીકળેલા જૂનાગઢ ખાણ ખનીજ વિભાગના અધિકારી પર રોયલ્ટી માફિયાઓએ હુમલો કર્યાની અને સરકારી ફરજમાં રૂૂકાવટ કર્યાની ઘટના સામે આવી છે. ઝાંઝરડા ચોકડી નજીક ગેરકાયદે રેતી ભરેલું ડમ્પર રોકવાનો પ્રયાસ કરતાં ડમ્પર માલિક અને ડ્રાઇવરે ઇન્સ્પેક્ટર અને સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર અને માલિક સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદી અને જૂનાગઢ ખાણ ખનીજ વિભાગમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા જયદીપભાઈ રાજેશભાઇ ગેડીયાએ પોલીસને જણાવ્યું હતું કે, સવારે 10:30 વાગ્યે સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈ હિંમતલાલ ત્રિવેદી અને ડ્રાઇવર સંજયભાઈ ભીખાભાઈ લોલાડીયા સાથે સરકારી બોલેરો ગાડી લઈને પેટ્રોલીંગમાં નીકળ્યા હતાં. એ સમયે જૂનાગઢ ઝાંઝરડા ચોકડી નજીક આવેલ અક્ષર વે બ્રિજ પાસે પીળા કલરનું અશોક લેલેન્ડ કંપનીનું ડમ્પર રેતી ખનીજ ભરેલું જોવા મળ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ડ્રાઇવર પાસે રોયલ્ટી પાસ માંગતા તેણે ન હોવાનું જણાવ્યું હતું. જીઓ માઇન નામની એપ્લિકેશનમાં તપાસ કરતા પણ આ નંબર પર કોઈ રોયલ્ટી પાસ નીકળ્યો નહોતો.ડ્રાઇવરે પોતાનું નામ જનકભાઈ ચોરવાડા અને ગાડીના માલિકનું નામ રૈયાભાઈ ભનુભાઈ ભારાઇ (રહે. વધાવી) જણાવ્યું હતું. એટલી વારમાં જ ડમ્પર માલિક રૈયાભાઈ ભારાઇ ત્યાં આવી ગયા હતા.
તેમણે ડ્રાઇવરને સૂચના આપી કે તું ગાડી પાછળ લઈને ઉલાળી નાખ. રૈયાભાઈએ જાતે જ ગાડીના પાછળના ફાલકાની પીનો ખોલી નાખી હતી. ઇન્સ્પેક્ટરનીના પાડવા છતાં ડ્રાઇવર જનકભાઈએ રેતી ભરેલું ડમ્પર વે બ્રિજ પરથી રિવર્સ લઈને રેતી ખાલી કરી દીધી હતી.રેતી ખાલી કર્યા બાદ ડમ્પર ભગાડવાનો પ્રયાસ થતાં સિક્યુરિટી ગાર્ડ ભાવેશભાઈએ ગાડી રોકવાની કોશિશ કરી હતી. આ સમયે ડમ્પર માલિક રૈયાભાઈએ ભાવેશભાઈનું ટી-શર્ટ પકડીને તેમની સાથે ઝપાઝપી કરી હતી અને તેમને માર મારવા લાગ્યા હતા. ફરિયાદી જયદીપભાઈ જ્યારે આ ઘટનાનો વીડિયો પોતાના મોબાઇલમાં ઉતારવા લાગ્યા, ત્યારે રૈયાભાઈએ તેમને પણ પકડી લીધા હતા. રૈયાભાઈએ જેમ ફાવે તેમ ગાળો બોલીને ધમકી આપી હતી કે આજે તો તમને જાનથી પતાવી દેવા છે. તેમણે ડ્રાઇવરને ગાડી ભગાડી જવાનું કહ્યું હતું.