બેંગલુરુમાં ધોળા દહાડે રૂા.7 કરોડની લૂંટ
બેંગલુરુમાં મંગળવારે દિવસ-દહાડે એક ચોંકાવનારી અને બોલ્ડ લૂંટની ઘટના સામે આવી છે, જેમાં કેન્દ્રીય કર અધિકારીઓ તરીકેનો ડોળ કરનારા માણસોએ ATMમાં રોકડ ભરવા જતી CMS કંપનીની વાનને નિશાન બનાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, લૂંટારાઓએ જયાંનગરના અશોકા પિલર નજીક આ ઘટનાને અંજામ આપ્યો હતો અને આશરે 7 કરોડ રૂૂપિયાની રોકડ લઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, CMS વાન JP નગરની HDFC બેંક શાખામાંથી રોકડ લઈને જઈ રહી હતી, ત્યારે અચાનક એક ઇનોવા કારે તેનો રસ્તો રોક્યો હતો. શંકાસ્પદ લૂંટારાઓએ રોકડ વાનના સ્ટાફને જણાવ્યું હતું કે તેઓ કેન્દ્રીય કર અધિકારીઓ છે અને તેઓએ દસ્તાવેજો ચકાસવા તેમજ રોકડનું નિરીક્ષણ કરવું પડશે. જોકે, થોડી જ મિનિટોમાં, આ નકલી અધિકારીઓએ વાન પર નિયંત્રણ મેળવી લીધું અને રોકડ બોક્સ સાથે CMS સ્ટાફને બળજબરીપૂર્વક તેમની કારમાં બેસાડ્યો.
ત્યારબાદ લૂંટારુઓ સ્ટાફને ડેરી સર્કલ તરફ લઈ ગયા હતા અને ફ્લાયઓવર પર તેમને નીચે ઉતારી દીધા હતા, જ્યારે તેઓ પૈસા લઈને બેનરઘટ્ટા રોડ થઈને ભાગી ગયા હોવાનું માનવામાં આવે છે. આ દિવસ-દહાડે થયેલી લૂંટને પગલે દક્ષિણ વિભાગની પોલીસે શહેરભરમાં સઘન તપાસ શરૂૂ કરી દીધી છે.