લૌકિક વિધિમાં ગયેલા પરિવારના મકાનમાંથી 6.74 લાખની ચોરી
તરઘડીયા ગામે ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, રૂા5.39 લાખના સોના-ચાંદીના દાગીના અને 1.35 લાખની રોકડ ઉઠાવી ગયા: ઢોર ખરીદવાના બહાને ગામમા આવેલા ત્રણ શખ્સો શંકાસ્પદ
શહેરની ભાગોળે આવેલા તરઘડીયા ગામે ધોળા દિવસે તસ્કરોએ ત્રાટકી લૌકિક વિધિમાં ગયેલા પરિવારના મકાનમાંથી રૂા.6.74 લાખનો હાથફેરો કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.. ભરવાડ પરિવાર સાઇપર ગામે લૌકિકમાં ગયો હતો. ત્યારે સાડા પાંચ કલાક મકાન બંધને નિશાન બનાવી તસ્કરો રૂા.5.39 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂા1.35 લાખની રોકડ ઉઠાવી ગયા હતા. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ અને ડોગ સ્કોવડ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. ગામમાં ઢોર ખરીદવાના બહાને આવેલા ત્રણ શખ્સો શંકાના દાયરામાં હોવાથી પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ તરઘડીયા ગામે લોટ વિસ્તારમાં રહેતા રધુભાઇ જાગાભાઇ ઝાપડા (ઉ.વ.52)નામના પ્રૌઢે કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઇકાલે સવારે સાડા નવ વાગ્યે પરિવાર સાથે ઘરને તાળુ મારી સાઇપર ગામે બનેવી ભીમાભાઇ ટોળીયાનુ અવસાન થયુ હોય જેની લૌકીક વિધિ હોવાથી ત્યા ગયા હતા. જયાથી બપોરે અઢી વાગ્યે તેમની પુત્રવધુ રાધાબેન અને બિજી મહિલાઓ સાઇપર ગામેથી પરત તરઘડીયા આવતા ઘરની ઓસરીની લોખંડીની જાળીનુ તાળુ તૂટેલુ હોય અને ઘરમાં તથા કબાટનો સામાન વેર વીખેર હાલતમાં પડેલો હોય જેથી ચોરી થયાની જાણ થતા ફરિયાદીને ફોન કરી જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. તપાસ કરતા તસ્કરોએ ઓસરીનુ તાળુ તોડી ઘરમાં રહેલા કબાટમાંથી રૂા.5.39 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂા1.35 લાખની રોકડ મળી કુલ રૂા6.74 લાખનો મુદ્દામાલની ચોરી કરી ગયા હતા.
આ અંગે કુવાડવા રોડ પોલીસ મથકમાં જાણ કરતા પીએસઆઇ બી.વી.ભગોરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્કોવડની મદદ લેવામાં આવી હતી. ફરિયાદીના જણાવ્યા મુજબ રોકડ રકમ કપાસ વેચ્યો હોય તેની હતી અને ભાગીયાને દેવા માટે ઘરમાં રાખી હતી. બીજી તરફ તેઓ લૌકીક વિધિમાં ગયા ત્યારે ગામમાં ત્રણ શખ્સો ઢોર ખરીદવાનું કહી ભરવાડ વાસ કયા છે. તેમ ગ્રામલોકોને પૂછતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી ઢોર ખરીદવાના બહાને આવેલા ત્રણ શખ્સો શંકાના દાયરામાં હોવાથી પોલીસે ગામમાં આવેલી દુકાને લગાવેલા સીસીટીવી ફુટેજ તપાસતા તેમાં ત્રણેય શખ્સો કેદ થઇ ગયા હોય જેથી સીસીટીવી ફુટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.