ભગવતીપરામાં વેપારીના ઘરમાંથી 20 મિનિટમાં 18 લાખની ચોરી
મકાનના પાછળના ભાગે ગ્રીલ તોડી અંદર ઘૂસેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ, પોલીસે પગેરૂ દબાવ્યું, શકમંદોની પૂછપરછ
ભગવતીપરામા રહેતા વેપારીનાં ઘરે તસ્કરો ત્રાટકયા હતા. 9 લાખની રોકડ અને દાગીનાં સહીત 18.95 લાખની મતા ચોરી ગયા હતા. આ મામલે વેપારીના પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ ચોરીની જાણ થતા ક્રાઇમ બ્રાંચ અને બી ડીવીઝન પોલીસ તાત્કાલીક ભગવતીપરા ખાતે દોડી ગઇ હતી. વેપારીનાં ઘરે ચોરી કરનાર 3 શખ્સો સીસીટીવીમા કેદ થઇ ગયા હોય જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી આ તસ્કર ત્રિપુટીનુ પગેરુ મેળવવા તપાસ શરુ કરી છે.
મળતી વિગત મુજબ રાજકોટનાં ભગવતીપરા શેરી નં.1પમા રહેતા લાકડાનો ડેલો અને સોપારીનો વ્યવસાય કરતા વેપારી દર્શન ચૌહાણનાં ઘરે તસ્કરો ત્રાટકયા હતા. મુકેશભાઇનું અવસાન થયું હોય તેમનો પુત્ર દર્શન હાલ લાકડાનું કામ કાજ સંભાળે છે જે કામ અર્થે સુરેન્દ્રનગર ગયો હતો. જયારે દર્શનના માતા લીલાબેન અને તેમની પુત્રી થોરાળા રહેતા લીલાબેનના ભાઇ મનુભાઇ ત્રિકમભાઇ કોશીયાના ઘરે માતાજીના માંડવામાં ગયા હતાં. ત્યારે તેમનાં બંધ મકાનને તસ્કરોએ નીશાન બનાવ્યુ હતુ.
બંધ મકાનમાં પાછળના ભાગે વંડી કુદી અંદર ઘુસેલા તસ્કરોએ મકાનની ગ્રીલ અને તાળુ તોડી અંદર ધુસી તીજોરીમા રાખેલા 9.60 લાખ રોકડા અને 8.95 લાખના સોનાના અને 40 હજારના ચાંદીનાં દાગીનાં સહીત આશરે 18.95 લાખની મતા ચોરી ફરાર થઇ ગયા હતા.
માત્ર 20 મીનિટમાં જ તસ્કરોએ મકાનમાં ચોરી કરી હતી. વહેલી સવારે 3 વાગ્યે ધુસેલા તસ્કરો 3.20 ચોરી કરી નીકળી ગયા હતા. આ અંગે આજે સવારે પરીવારજનો પરત આવ્યા ત્યારે ચોરીની જાણ થતા પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ મથકનાં પીઆઇ રાણે તેમજ ક્રાઇમ બ્રાંચનાં પીએસઆઇ એમ. કે. મોવલીયા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસ તપાસ દરમ્યાન ચોરી કરનાર 3 શખસો સીસીટીવી કેદ થઇ ગયા હતા. જેનાં આધારે આ ત્રણેયનુ પગેરુ દબાવવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે સીસીટીવીના આધારે માર્કેટીંગ યાર્ડના અનાજ વિભાગના કેટલાક શંકમદ મજૂરોને ઉઠાવી લીધા હતા. અને પૂછપરછ કરી હતી. પરંતુ કોઇ કડી મળી ન હતી આ ચોરીમાં જાણ ભેદુ સંડોવાયેલુ હોવાનુ પોલીસને શંકા છે. આ ચોરીમાં પોલીસે ડોગસ્કોડ અને ફિગંરપ્રિન્ટ નિષ્ણાંતોની મદદ લીધી છે.
ભગવતીપરામાં તસ્કરોનો તરખાટ સપ્તાહમાં પાંચ સ્થળે ચોરી
ભગવતીપરામાં વેપારીના ઘરે થયેલી 18.95લાખની ચોરીમાં પોલીસ તપાસ ચલાવી રહી છે. ભગવતીપરામાં છેલ્લા એક સપ્તાહથી ચોરીના બનાવ વધ્યા છે. એક સપ્તાહમાં ચોરીન પાંચ ઘટના બની હોવાનુ જાણવા મળ્યું છે. ભગવતીપરા શેરી નં.5માં પરપ્રાતિય પરિવારને ઉંઘતો રાખી તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. ઉપરાંત ભગવતીપરા શેરી નં.9માં પણ ચોરીનો બનાવ બન્યો હતો. ભગવતીપરાના અગ્રણી અને રહેવાસીઓએ આ મામલે પોલીસને વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા રજૂઆત કરી છે. છેલ્લા એક સપ્તાહમાં બનેલા ચોરીના પાંચ બનાવો છતા પોલીસે પેટ્રોલિંગ નહીં વધારતા તસ્કરોની હિમત ખુલી હતી. અને પોલીસને પણ તસ્કરોએ પડકાર ફેકી વેપારીના ઘરમાંથી 18.95 લાખની હિમતભેર ચોરી કરી હતી. ત્યારે આ મામલે હવે પોલીસ આ તસ્કર ટોળકીને પકડવામા સફળ બનશે?