આટકોટના કાનપર ગામે એક જ રાતમાં ચાર મકાનમાંથી રૂા.3.30 લાખની ચોરી
રાત્રે 2 થી 4 દરમિયાન બે કલાકમાં તસ્કરો કાનપર ગામના ત્રણ મકાન અને ગોડાઉનમાં હાથફેરો કરી ગયા
આટકોટના કાનપર ગામે નવરાત્રિનાં તહેવારમાં જ તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાતમાં ત્રણ મકાન અને મંડપ સર્વિસના ગોડાઉનમાં ત્રાટકી 3.30 લાખની રોકડ અને દાગીનાની ચોરી કરી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ શરૂ કરી છે. માત્ર રાત્રીનાં 2 થી 4 દરમિયાન બે કલાકમાં જ આ ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
આટકોટના કાનપર ગામે નવરાત્રિના તહેવારમાં મોડે સુધી ગ્રામજનો જાગતા હોય ત્યારે રાત્રીના 2 થી 4 વાગ્યાના સુમારે કાનપર ગામમાં તસ્કરો ત્રાટકયા હતાં. કાનપર ગામે રહેતાં ભીખાભાઈ ઉર્ફે ભરતભાઈ માણંદભાઈ વાંક તેમજ વિપુલભાઈ સેરસીયા અને શંભુભાઈ કુકડીયાના ઘર તેમજ વિપુલભાઈ ગોસાઈના મંડપ સર્વિસના ગોડાઉનમાં ત્રાટકયા હતાં. ભીખાભાઈ પત્ની સાથે તેમના સાડા વાદીપરા ગામે રહેતા દિનેશભાઈ કોસરાના ઘરે રોકાવા ગયા હતાં અને સવારે આવ્યા ત્યારે મકાનના તાળા તુટેલા જોયા હતાં. ઘરમાં ગોદડામાં રાખેલા 3.10 લાખની કિંમતના દાગીના ચોરી થયા હતાં.
સરપંચને ફોન કરતાં તેઓ ભીખાભાઈના ઘરે જઈ પુછપરછ કરતાં ભીખાભાઈ ઉપરાંત વિપુલભાઈના ઘરે પણ 18 હજારના દાગીના તથા રોકડ તેમજ હાલ સુરત રહેતાં શંભુભાઈ કુકડીયાના બંધ મકાનમાં પણ તસ્કરોએ ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું.
તેમજ કાનપર ગામે રહેતાં અને મંડપ સર્વિસનું કામ કરતાં વિપુલપરી ગોસાઈના મંડપ સર્વિસના ગોડાઉનમાં પણ તસ્કરો ચોરી કરી ગયા હતાં. સરપંચના જણાવ્યા અનુસાર નવરાત્રિના તહેવારમાં રાત્રીનાં 1 વાગ્યા સુધી જાગતા હોય ત્યારે રાત્રીના 2 થી 4 દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. આટકોટ પોલીસ મથકના પીઆઈ આર.એસ.સાંકળીયા સહિતના સ્ટાફે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.