ગોંડલના ચરખડી ગામે સોની વેપારીના બંધ મકાનમાંથી રૂા.1.70 લાખની ચોરી
ગોંડલ તાલુકાનાં ચરખડી ગામે સોની વેપારીનાં બંધ મકાન નાં તાળા તોડી તસ્કરોએ સોના ચાંદીનાં દાગીના તથા રોકડ રકમ મળી કુલ રુ.1,70,000 ની ચોરી કરી જતા બનાવ અંગે તાલુકા પોલીસ માં ફરિયાદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ચોરીની ઘટના ગત તા.26 /6/25 નાં બનવા પામી હતી.પરંતુ ફરિયાદી નાં નાનાભાઇ તથા કાકાનું અવસાન થતા ઉતરક્રીયા સહિત ની વિધી બાદ પોલીસ ફરિયાદ કરાઇ હતી.
બનાવ ની પ્રાપ્ત વિગત મુજબ ચરખડી રહેતા અને રામજી મંદિર ચોક પાસે ભદ્રકાલી જ્વેલર્સ નામે દુકાન ચલાવતા સોની રાજેશભાઈ વલ્લભભાઈ રાણપરા નાં નાનાભાઇ યોગેશભાઈ બીમાર હોય રાજકોટ હોસ્પિટલ માં દાખલ કર્યા હોય રાજેશભાઈ તથા તેના પત્નિ રાજકોટ હતા. દરમ્યાન તેમના બંધ મકાન માં તસ્કરો ત્રાટકી તાળા તોડી ઘર માં રહેલા કબાટ તથા કોઠીમાં પડેલા સોનાની બુટી,ચેન,વીટી સહીત દાગીના તથા જુનુ સોનુ તથા રોકડ રુ.10 હજાર મળી કુલ રુ.1,70,000 ની માલમતા ની ચોરી કરી જતા બનાવ અંગે રાજકોટ થી પરત ફરેલા રાજેશભાઈ એ તાલુકા પોલીસ માં ફરિયાદ કરી હતી.
