કુવાડવાના ખોરાણા ગામે મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી
કુવાડવાના ખોરાણા ગામે તસ્કરોએ ત્રાટકી બંધ મકાનના તાળા તોડી રૂા.1.70 લાખની ચોરી કરી ગયાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પત્નીને હાથમાં ઈજા થતાં પરિવાર ઘરને તાળુ મારી વાડીએ રહેતો હતો. દરમિયાન રાત્રીના સમયે તસ્કરોએ મકાનને નિશાન બનાવી 80 હજારની રોકડ અને સોનાના દાગીના ઉઠાવી ગયા હતાં. આ અંગે પોલીસે તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, કુવાડવાના ખોરાણા ગામે રહેતા દિનેશભાઇ પાચાભાઇ સોલંકી(ઉ.વ.35) એ કુવાડવા રોડ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, પત્ની ને ખેતીકામ કરતી સમયે હાથમા ઇજા થયેલ હોવાથી છેલ્લા ત્રણ દિવસ થી રહેવા માટે ગયેલ હતા અને હું રોજ એકવાર ઘરે આટો દેવા માટે જતો હતો. દરમિયાન આજે સવારે પાડોશી મનુભાઈ સાંગાણીએ ફોન કરી તેમના મકાનનું તાળુ તુટેલું હોવાની જાણ કરતાં તેઓ વાડીએથી ઘરે દોડી ગયા હતાં .
અને તપાસ કરતાં ઘરના મેઈન દરવાજાનું તાળુ તુટેલું હોય અને ઘરમાં માલ સામાન વેરવિખેર હાલતમાં પડેલો હોય કબાટનું પણ તાળુ તુટેલું હોય જેથી તપાસ કરતાં કબાટની તીજોરીમા જોતા રોકડા રૂૂપિયા 80,000/- જે મે અઠવાડીયા પહેલા કપાસ વેચાણ ના આવેલા હતા તે તથા સોના ચાંદીના દાગીના જે આશરે બારેક વર્ષ પહેલા ખરીદ કરેલ હતા જેમા સોનાની બુટી એક જોડી કાનસર સહીત ની એક તોલાની જેની આશરે 35000/- ના તથા ગળા મા પહેર વાનો ચેન સોનાનો જે આશરે 35000/- નો તથા ઓમ વાળુ પાંદડા આકારનુ પેન્ડલ આશરે એક ગ્રામ નુ જે હમણા રૂૂ.10,000/- મા ખરીદ કરેલ હતુ તેમજ ચાંદીના સાકડા બે જોડી કુલ ત્રણસો ગ્રામ ના પાંદડી આકારના જે બારેક વર્ષ જુના હતા તે જે તે સમયે 10,000/- મા ખરીદ કરેલ હતા. આમ તસ્કરો મકાનના તાળા તોડી રોકડ અને સોના ચાંદીના દાગીના મળી કુલ રૂા.1.70 લાખના મુદ્ધામાલની ચોરી કરી ગયા હતાં. આ અંગે કુવાડવા રોડ પોલીસે ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.