ભાવનગરના ગુંદરણ ગામે બંધ મકાનમાં ધોળાદા’ડે ચોરી
સોના-ચાંદીના ઘરેણાં, રોકડ મળી રૂા.1.08 લાખની મતાની તસ્કરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં રહેતા મહિલાના બંધ મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી ઘરમાંથી સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ રકમ મળી રૂૂ.1.08 લાખની મતાની ચોરી કરી નાસી છૂટ્યા હતા.પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં આવેલ વણકરવાસમાં રહેતા વાલીબેન કેશવભાઈ જીતીયા ગત તા.03/12 ના રોજ બપોરના અઢી વાગ્યા આસપાસ તેમના ભાઈના દીકરા સંજય સાથે ગામમાં આવેલ મુન્નાભાઈ પ્યારભાઈ ખોજાને ત્યાં સીંગ વેચવા માટે ગયા હતા અને ત્યાંથી તેમના ભાઈ પ્રેમજીભાઈના ઘરે તેમ જ કાકી જશુબેનની ખબર કાઢ્યા બાદ બકાલુ લઈને સાડા ચાર વાગ્યા આસપાસ તેમના ઘરે પરત ફર્યા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનની વંડી ટપીને ઘરમાં પ્રવેશ્યા હતા અને ડેલીનો દરવાજો અંદરથી બંધ કરી દઈ રૂૂમનો નકુચો તોડી રૂૂમમાં પ્રવેશ કરી કબાટનું બારણું તોડી કબાટના ખાનામાં રાખેલ રૂૂ.50,000/- રોકડા તેમજ સોના ચાંદીના ઘરેણા મળીને કુલ રૂૂ.1,08,350/- ની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
ચોરીની આ ઘટના અંગે વાલીબેન કેશવભાઈ જીતિયાએ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા બગદાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.