રિક્ષાગેંગનો તરખાટ: એક ટોળકી પકડાઇ ત્યાં વધુ એક પ્રૌઢને શિકાર બનાવ્યાની ફરિયાદ
વાંકાનેરના દંપતી રાજકોટ પુત્રના ઘરેથી પરત જતા રિક્ષામાં બેઠા ને નજર ચૂકવી રૂા.84 હજાર કાઢી લીધા
શહેરમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષાગેંગનો તરખાટ વધી રહ્યો છે. તાજેતરમાં જ તાલુકા પોલીસે એક રિક્ષાગેંગને ઝડપી લીધી છે. ત્યારે વધુ એક પ્રૌઢ રિક્ષાગેંગનો શિકાર બન્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. વાંકાનેરમાં રહેતુ દંપતિ રાજકોટ પુત્રના ઘરેથી પરત ઘરે જવા નિકળ્યુ ત્યારે રિક્ષાગેંગે શિકાર બનાવી નજર ચૂકવી પ્રૌઢના ખીસ્સામાંથી રૂા.84 હજારની રોકડ શેરવી લીધી હતી. આ અંગે બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં રહેતા હરેશભાઇ મનુભાઇ પરમાર (ઉ.વ.52)નામના પ્રૌઢે બિ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં ગત તા.8/11ના રોજ તેઓ તેમના પત્ની પ્રફુલાબેન સાથે દિકરી ડિમ્પલના આગામી દિવસોમાં લગ્ન હોવાથી કંકોત્રી આપવા માટે અમદાવાદ ગયા હતા જયાથી પરત રાજકોટ મોરબી રોડ રહેતા પુત્રના ઘરે રોકાયા હતા અને તા.9ના પુત્ર પાસેથી રૂા.84 હજારની રોકડ લઇ દંપતિ વાંકાનેર જવા માટે નિકળ્યા હતા. દરમિયાન મોરબી રોડ જકાતનાકા પાસેથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જવા રિક્ષામાં બેઠા હતા જે રિક્ષામાં અગાઉથી ત્રણ શખ્સો બેઠેલા હોય રિક્ષા થોડે દૂર જતા બાજુમાં બેઠેલા શખ્સે સંકળાશ થતી હોવાનુ રિક્ષા ચાલકને કહેતા ચાલકે રિક્ષા ઉભી રાખી આ ભાઇને પગલમાં સળીયા છે અને દવાખાને જવુ તેમ કહી તેમને ઉતારી દીધા હતા બાદમાં તેમણે ખીસ્સા તપાસતા રૂા.84 હજારની રોકડ રિક્ષામાં બાજુમો બેઠેલા શખ્સે નજર ચૂકવી તફડાવી લીધાનુ જણાય આવ્યુ હતું. જોકે તેમની પુત્રીના લગ્ન હોવાથી તેઓ તેમાં વ્યસ્ત હોય ફરિયાદ નોંધાવી ન હતી આજે તેમના પુત્ર સાથે પોલીસે સ્ટેશન આવી ફરિયાદ નોંધાવતા પોલીસે રિક્ષાગેંગ સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.