પોલીસ મથકમાં જઇ માર મારવાના પ્રકરણમાં ગોંડલના જયરાજસિંહ જાડેજા સહિત બે સામેની રિવિઝન અરજી મંજૂર
ત્રણ વર્ષ પહેલાં ગોંડલ પોલીસ મથકના લોકઅપમાંથી આશિષ કુંજડિયાને બહાર કાઢી જયરાજસિંહએ માર માર્યાની ફરિયાદ રદ થતા અરજી કરી’તી
ગોંડલમા ત્રણ વર્ષ પુર્વે ખેડુત ડેકોરના લક્ષ્મણભાઇ હિરપરા અને કોંગ્રેસ અગ્રણી આશિષ કુંજડીયા વચ્ચે ચાલતી તકરારમા લક્ષ્મણભાઇ હિરપરાએ આશિષ કુંજડીયા વિરૂધ્ધ ગોંડલ સિટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવતા આશિષ કુંજડીયાની અટકાયત કરવામા આવી હતી. જે દરમિયાન ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પોલીસ સ્ટેશનમા જઇ આશિષ કુંજડીયાને લોકઅપમાથી બહાર કાઢી માર માર્યો હોવાની ફરીયાદ રદ થતા આશિષ કુંજડીયાએ કરેલી રીવીઝન અરજી કોર્ટે મંજુર કરતો હુકમ કર્યો છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ ગોંડલમા રહેતા કોંગ્રેસ અગ્રણી અને હાલના ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા અને ખેડુત ડેકોર લક્ષ્મણભાઇ હિરપરા વચ્ચે તકરાર ચાલતી હતી. જે તકરારને લઇને લક્ષ્મણભાઇ હિરપરાએ ગોંડલ સિટી પોલીસ મથકમા આશિષભાઇ કુંજડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદના આધારે પોલીસે આશિષ કુંજડીયાની ધરપકડ કરી હતી. જે દરમિયાન ગોંડલના પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ સાંજના પાંચેક વાગ્યાના અરસામા પોલીસ સ્ટેશન ખાતે ધસી જઇ આશિષ કુંજડીયાને લોકઅપમાથી બહાર કઢાવી બિભત્સ ગાળો ભાંડી ફડાકા ઝીકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ અંગે આશિષ કુંજડીયાએ ગોંડલ સિટી પોલીસમા ફરીયાદ કરવા અને ગોંડલ સિટી પોલીસ મથકના સીસીટીવી ફુટેઝ તપાસવા માટે કબજે કરવા તા. 27-5-2021 ના રોજ લેખીત અરજી આપી હતી. જે અરજી ગોંડલના ત્રીજા એડિશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટની અદાલતમા ચાલી જતા જે ફરીયાદ નોંધાયા બાદ ઇન્કવાયરીના કામે ત્રીજા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટે તેના ગુણદોષના આધારે ફરીયાદીની ફરીયાદ રદ કરતો હુકમ કર્યો હતો. જે હુકમથી નારાજ થઇ આશિષ કુંજડીયાએ નવમા એડીશ્નલ ચીફ જયુડીશ્યલ મેજીસ્ટ્રેટ સમક્ષ ફરીયાદ નોંધવા રિવીઝન અરજી દાખલ કરી હતી. જે અરજી ચાલી જતા બંને પક્ષની રજુઆત બાદ ફરીયાદ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામા આવેલી દલીલો ગ્રાહ્ય રાખી ગોંડલના નવમા અધિક સેસન્સ જજ હેમાંગ ત્રીવેદીએ નીચલી કોર્ટનો હુકમ રદ કરી આશિષ કુંજડીયાની રીવીઝન અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.
આ કેસમા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડીયા વતી એડવોકેટ દિનેશભાઇ પી. પાતર રોકાયા હતા.
---