મોરબીમાં સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે રો-મટિરિયલ સપ્લાયરો મેદાનમાં
સ્પ્રેડાયર એસો.નો પણ ટેકો, જૂના ધંધાર્થીને નાણા ચૂકવે તો જ માલ સપ્લાય થશે
મોરબીના સિરામિક ઉદ્યોગમાં લાંબી ઉધારીની પ્રથા સામે વિવિધ સપ્લાયરોએ બાયો ચડાવી છે અને ઉધારીના નામે પૈસા ખોટા કરતા સિરામિક કારખાનેદાર વિરુદ્ધ ફરિયાદ કરવા સુધી નોબત આવી છે ત્યારે હવે સ્પ્રેડાયર એસોસિએશન દ્વારા પણ રો મટીરીયલ એસોસિએશન સાથે હાથ મિલાવી લાંબી ઉધારી બાદ અન્ય ધંધાર્થીઓ પાસેથી માટી ખરીદનાર સિરામિક એકમો જુના ધંધાર્થીને નાણાં ચૂકવે તો જ માલ સપ્લાય કરવાનું નક્કી કરી લાંબી ઉધારી નહિ આપવા નિર્ણય લેવાયો છે.
મોરબીમાં પેકેજીંગ અને સિરામિક રો મટીરીયલ સપ્લાયર્સ દ્વારા લાંબી ઉધારી નહિ આપવા નિર્ણય કરી લાંબા સમયથી ઉધારી નહિ ચૂકવતા સિરામિક એકમો સામે કાર્યવાહી કરવા અને માલ નહિ સપ્લાય કરવા નક્કી કર્યું છે જેમાં હવેથી સ્પ્રેડાયરમાં ધંધાર્થીઓ પણ જોડાયા છે. સ્પ્રેડાયર એસોસિએશનની ગઈકાલે મહત્વની બેઠક બાદ પ્રમુખ કેતનભાઈએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં એવા અનેક બનાવ સામે આવ્યા છે. જેમાં સિરામિક એકમો ઉધારીની મુદત પૂર્ણ થવા છતાં નાણાં ચૂકવતા નથી ઉલટુ અન્ય ધંધાર્થી પાસેથી માલ ખરીદવાનું શરૂૂ કરી દે છે.
ગઇકાલે મળેલી બેઠકમાં તમામ સ્પ્રેડાયર ધંધાર્થીઓએ નક્કી કર્યું હતી કે, સિરામિક એકમોને નિયત સમયની ઉધારી બાદ માલના પૈસા ન ચૂકવે અને અન્ય ધંધાર્થી પાસેથી માલ ખરીદવાનું ચાલુ કરે તો આવા કિસ્સામાં જુના સપ્લાયરને પહેલા પૈસા ચુકવે તો જ આ કારખાનેદારને માલ સપ્લાય કરવો અન્યથા નહિ તેવું નક્કી કરી સિરામીક રો મટીરીયલ એસોસિએશન સાથે જોડાણ કરવામાં આવ્યું હોવાનું તેમને જણાવ્યું હતું.